
સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં ગંદા અને દુષિત પાણીની સપ્લાયને કારણે એક ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સુરત મહાનગરપાલિકાની લાપરવાહીનો ભોગ બનીને 22 વર્ષીય જયેશ ઉદ્ધવ સીરસાગર નામના યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 40થી વધુ રહીશો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું
સોસાયટીના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને દુર્ગંધયુક્ત અને મટમટાટું પાણી સપ્લાય થઇ રહ્યું હતું. આ બાબતે મહાનગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાને લીધું નહતું. પરિણામે, ગત કેટલાય દિવસોથી સતત ઉલટી, જાડા, તાવ અને પેટમાં દુઃખાવાની ફરિયાદો વધી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે એક પછી એક 40થી વધુ લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું બન્યું. અચાનક એક યુવકના મોત બાદ તંત્ર જાગ્રત થયું અને આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા બંને ઘટના સ્થળે પહોંચી ગયા.
કાર્યવાહીની સુચના
સોસાયટીના અંદાજિત 250 ઘરોમાં દુષિત પાણી પહોંચ્યું હોવાનો અંદાજ છે. મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ ઘરોના ટેન્કોમાં ભરાયેલું પાણી ખાલી કરાવ્યું. પાણીના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દૂષિત પાણીના પ્રભાવથી અસરગ્રસ્ત ઘણા લોકો હાલ ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. ભારે અસંતોષ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય પણ સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા અને ઘટના અંગે માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવા તંત્રને સુચના આપી.
બોર્ડ લગાવાયા
મહાનગરપાલિકા દ્વારા હવે સોસાયટીમાં લોકજાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં ઝાડા, ઉલટી જેવી બીમારીઓથી બચવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. precautionary પગલાં તરીકે મનપાની એમ્બ્યુલન્સને સોસાયટીની બહાર સ્ટેન્ડ બાય પર મુકવામાં આવી છે. સ્થાનિક રહીશો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટનાની પુનરાવૃત્તિ ના થાય તે માટે સ્થાયી ઉપાય કરવામાં આવે.