
Operation Sindoor નું નામ દરેક ભારતીય સહિત વિશ્વના અનેક લોકોના મનમાં કોતરાયેલું છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ જ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમત બતાવીને 6 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાએ મોડી રાત્રે કરેલા આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું હતું. સેનાએ ઓપરેશન સિંદૂરનો લોગો બહાર પાડી સમગ્ર વિશ્વને જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. ત્યારથી ઓપરેશન સિંદૂરનો આ લોગો ખૂબ જ લોકપ્રિય બન્યો.
બે સૈન્ય સૈનિકો દ્વારા ડિઝાઇન કરાયેલ
ઓપરેશન સિંદૂરનો આ લોગો કોણે બનાવ્યો? એ વિશે દરેકના મનમાં સવાલ હતો. પરંતુ હવે આ વિશે માહિતી પણ પ્રકાશમાં આવી છે. ભારતીય સશસ્ત્ર દળોના 'ઓપરેશન સિંદૂર'નો સરળ અને પ્રતીકાત્મક લોગો બે સૈન્ય કર્મચારીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લોગોએ દેશના કરોડો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ બે સૈનિકોએ ઓપરેશન સિંદૂરનો લોગો ડિઝાઇન કર્યો
ઓપરેશન સિંદૂરને સમર્પિત ભારતીય સેનાના મેગેઝિન 'બાતચીત' ના નવીનતમ સંસ્કરણ પ્રમાણે આ નિર્ણાયક લશ્કરી કાર્યવાહીનો લોગો લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આર્મીએ આ મેગેઝિનના ખાસ અંકમાં બંને લશ્કરી અધિકારીના ફોટા લોકો સાથે શેર કર્યા હતા. આ સત્તર પેજના મેગેઝિનના ટાઈટલ પેજ ઉપર 'ઓપરેશન સિંદૂર'નો લોગો છે અને ટોચ પર ભારતીય સેનાનું ચિહ્ન છે.
આર્મીએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો
જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. તેના થોડા સમય પછી, ભારતીય સેનાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક પોસ્ટર સાથે એક હૃદયસ્પર્શી સંદેશ પ્રકાશિત કર્યો હતો. જે હવે 'ઓપરેશન સિંદૂર'ની વ્યાખ્યાયિત છબી બની ગયો છે.