
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સંદેશ આપતા કહ્યું કે, આખી દુનિયાએ જોયું છે કે, ભારતની શું તાકાત છે. ભારતીયોનું લોહી વહેવડાવનારાઓને 22 મિનિટમાં ઝુકાવી દીધા. લોહી વહેવડાવનારના કોઈ ઠેકાણાને છોડવામાં નહીં આવે. પીએમ મોદીએ મંગળવારે દિલ્હીમાં શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
પીએમ મોદીએ આ સમારોહમાં કહ્યું, તાજેતરમાં જ દુનિયાએ ભારતની ક્ષમતા જોઈ. ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની સ્પષ્ટ નીતિ આખી દુનિયા સામે આવી. આપણે બતાવી દીધું કે, ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત સ્થાન નથી. આજનું ભારત ફક્ત એવા પગલાં લે છે જે શક્ય હોય અને જે રાષ્ટ્રીય હિતમાં યોગ્ય હોય.
https://twitter.com/BJP4India/status/1937392330635641048
'વિદેશી નિર્ભરતા ઘટી રહી છે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંરક્ષણ જરૂરિયાતો માટે ભારતની વિદેશી દેશો પર નિર્ભરતા સતત ઘટી રહી છે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં 'આત્મનિર્ભર' બની રહ્યા છીએ. ઓપરેશન સિંદૂરમાં પણ આપણે તેની અસર જોઈ. 'મેડ ઇન ઇન્ડિયા' શસ્ત્રોની મદદથી આપણા સૈનિકોએ માત્ર 22 મિનિટમાં દુશ્મનોને ઘૂંટણિયે પાડી દીધા. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં 'મેડ ઇન ઇન્ડિયા' શસ્ત્રો સમગ્ર વિશ્વમાં ઓળખાશે
'હું ગુરુદેવને યાદ કરું છું...'
વડાપ્રધાન મોદીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુના સિદ્ધાંતો માનવતા માટે એક મહાન વારસો છે. શ્રી નારાયણ ગુરુ દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્પ સાથે કામ કરનારાઓ માટે એક દીવાદાંડી જેવા છે. તમે બધા જાણો છો કે વંચિત અને શોષિત સમુદાય સાથે મારે કેટલો ઊંડો સંબંધ છે. એટલા માટે આજે પણ જ્યારે હું વંચિત અને શોષિત સમાજ માટે કોઈ મોટો નિર્ણય લઉં ત્યારે હું ગુરુદેવને યાદ કરું છું.
અમારી સરકાર પણ મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ સાથે આગળ વધી રહી છે. આપણા દેશમાં આટલા વર્ષોની સ્વતંત્રતા પછી પણ ઘણા ક્ષેત્રો એવા હતા જેમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. અમે આ પ્રતિબંધો દૂર કર્યા. મહિલાઓને નવા ક્ષેત્રોમાં અધિકારો મળ્યા. આજે કોર્ટથી લઈને અવકાશ સુધી, દીકરીઓ પોતાનું નામ રોશન કરી રહી છે. મને સંતોષ છે કે આજે દેશ સંતૃપ્તિ અભિગમ પર આગળ વધી રહ્યો છે અને ભેદભાવની દરેક શક્યતાને દૂર કરી રહ્યો છે.