Home / India : Indus Water Treaty permanently cancelled: Pakistan will no longer get water from India

સિંધુ જળ સંધિ કાયમ માટે રદ: પાક.ને હવે નહિ મળે ભારતનું પાણી

સિંધુ જળ સંધિ કાયમ માટે રદ: પાક.ને હવે નહિ મળે ભારતનું પાણી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને અટકાવી દીધા હતા. જેને પગલે પાકિસ્તાનમાં હાલ પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાકિસ્તાન પાણી માટે વલખા મારી રહ્યું છે એવામાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે ભારત હવે ક્યારેય પણ પાકિસ્તાન સાથેના આ સિંધુ જળ કરારોને બહાલ નહીં કરે. પાકિસ્તાનની નદીઓમાં પાણીનો ભારે ઘટાડો થયો છે અને સ્તર 20 ટકા સુધી નીચે આવી ગયું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં પાણીની અછતની સામાન્ય નાગરિકોની સાથે કૃષિ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. 22 મી એપ્રીલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના બીજા દિવસે 23 મી એપ્રીલના રોજ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરાર રોકવામાં આવ્યા હતા, જે બાદ પાક. તરફ જતું પાણી રોકી દેવાનું શરૂ કરાયું હતું. હાલ પાકિસ્તાનની નદીઓમાં પાણીનું સ્તર 20  ટકા ઘટી ગયું છે. ભારત પાક. તરફ વહેતી ચિનાબ નદીનું પાણી બ્યાસ નદી સાથે જોડવા માટે 160 કિમી લાંબી સુરંગ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. જેનાથી પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઇ જશે અને પાણી માટે તરસી પડશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી ખરીફની સીઝન માટે પણ પાકિસ્તાન પાસે પુરતુ પાણી નહીં હોય. 

ભારત હવે ક્યારેય પણ પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને બહાલ નહીં કરે

આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે ભારત હવે ક્યારેય પણ પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને બહાલ નહીં કરે, એટલે કે ભારત હવે ક્યારેય પણ પાકિસ્તાન તરફ પાણી છોડવાની છૂટ નહીં આપે. ભારતથી પાક. તરફ જતી નદીઓનું પાણી હવે દેશમાં જ ઉપયોગમાં લેવાશે, આ પાણીને રાજસ્થાન જેવા રાજ્યો સુધી પહોંચાડવા માટે મોટી કેનાલનું નિર્માણ કરવામાં આવશે. ભારતે 1960 માં વિશ્વ બેંકની મધ્યસ્થતા વચ્ચે પાકિસ્તાન સાથે આ સિંધુ જળ કરારો કર્યા હતા. આ સંધિને કારણે પાકિસ્તાનની 80 ટકા કૃષિને પાણી મળતું હતું. 

રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સંધિ હવે ક્યારેય બહાલ નહીં થાય. આંતરરાષ્ટ્રીય સંધિઓને એક તરફી રદ ના કરી શકાય પણ ભારતને આ સંધિ સ્થગિત કરવાનો અધિકાર છે અને અમે તે કરી બતાવ્યું છે. સંધિમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ કરારો બન્ને દેશોની શાંતિ અને પ્રગતિ માટે હતી, પરંતુ જો એક વખત તેનું ઉલ્લંઘન થયું તો પછી કઇ નહીં બચે. જે પાણી અત્યાર સુધી પાકિસ્તાનને મળી રહ્યું હતું તે હવે ભારત તરફ વાળી લેવામાં આવશે. અમે કેનાલ બનાવીને આ પાણીને રાજસ્થાન તરફ લઇ જઇશું.  

 

Related News

Icon