
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર ડ્રોન (ક્વાડકોપ્ટર)વડે હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે એક જ પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું છે. શનિવારે, આતંકવાદીઓએ બન્નુ જિલ્લાના મિરયાન પોલીસ સ્ટેશન પર ડ્રોનનો ઉપયોગ કરીને દારૂગોળો ફેંક્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કોઈ પોલીસકર્મી ઘાયલ થયા નથી કે ઈમારતને કોઈ નુકસાન થયું નથી. આ દરમિયાન હવામાં ઉડતા ડ્રોનને તોડી પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે અસફળ રહ્યો. પોલીસે જણાવ્યું હતું કે એક મહિનામાં મિરયાન પોલીસ સ્ટેશન પર આ પાંચમો ક્વોડકોપ્ટર હુમલો હતો.
જે વિસ્તારમાં આ હુમલો થયો તે વિસ્તાર અફઘાનિસ્તાન બોર્ડરને અડીને આવેલો છે. તે અશાંત વિસ્તાર છે. પાકિસ્તાની અધિકારીઓએ વારંવાર થતા હુમલાઓને આતંકવાદીઓ દ્વારા "અદ્યતન ક્વોડકોપ્ટર ટેકનોલોજી" ના વધતા ઉપયોગના સંકેત તરીકે વર્ણવ્યા છે. હાલમાં મોટા પાયે શોધખોળ કામગીરી ચાલી રહી છે, અને બન્નુ જિલ્લામાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
શુક્રવારે રાત્રે લક્કી મારવત જિલ્લાના સેરાઈ ગામ્બિલા પોલીસ સ્ટેશન પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે આ ઘટના બની. લગભગ એક ડઝન આતંકવાદીઓએ પહેલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, પછી હળવા અને ભારે હથિયારોથી હુમલો કર્યો. જોકે, પોલીસે કરેલા જવાબી ગોળીબારને કારણે હુમલાખોરોને ભાગી જવાની ફરજ પડી હતી. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પાકિસ્તાની સેનાએ આ હુમલા માટે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલો પેશાવર-કરાચી હાઇવે પર ગામ્બિલા નદી પાસે સ્થિત સેરાઈ ગામ્બિલા પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો. તેને પહેલા પણ ઘણી વખત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં ખૈબર પખ્તુનખ્વાના ઘણા ભાગોમાં ડ્રોન (ક્વાડકોપ્ટર) દ્વારા વિસ્ફોટકો ફેંકીને હુમલા કરવામાં આવ્યા છે.