
ગાઝામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ઇઝરાયેલના હુમલાઓથી વધુ લોકો ભૂખમરીના કારણે મરવા લાગ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે ગાઝા હાલમાં સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયેલે લાંબા સમયના પ્રતિબંધો બાદ ગાઝાના લોકો માટે રાહત સામગ્રીના ડઝનબંધ ટ્રકોને જવાની મંજૂરી આપી પરંતુ રસ્તામાં આ ટ્રકો લૂંટાઈ ગયા હતા. ભૂખ અને અભાવથી પીડાતા લોકોએ રાહત સામગ્રીના ટ્રકો લૂંટી લીધા હતા.મહત્ત્વપૂર્ણ છે કે,ઇઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમક રીતે હુમલા શરૂ કર્યા છે. ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના અધિકારી મોહમ્મદ અલ મુગાયીરે જણાવ્યું કે શુક્રવારે ઇઝરાયેલના હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
રાહત સામગ્રી પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ- યુએન ચીફ
યુએન ચીફે કહ્યું કે ઇઝરાયેલે ઓછામાં ઓછું રાહત સામગ્રી પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ. આ એક ક્રૂરતાની હદ છે, જેનો ગાઝાના લોકો સામનો કરી રહ્યા છે.
યુએન ચીફે જણાવ્યું કે તાજેતરમાં ઇઝરાયેલે 400 ટ્રકોને મંજૂરી આપી હતી, પરંતુ તેમાંથી માત્ર 115 ટ્રકો જ ગાઝા પહોંચી શકી હતી. ઇઝરાયેલે ગાઝામાં નરસંહારને વેગ આપ્યો છે અને ભારે વિનાશ મચાવવા લાગ્યું છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે જણાવ્યું કે ગઈ રાત્રે દક્ષિણ ગાઝામાં લગભગ 15 ટ્રકો લૂંટાઈ ગઇ હતી. લોકોમાં ભૂખમરીની સ્થિતિ છે. આવી સ્થિતિમાં લોકોને ભરોસો નથી કે રાહત સામગ્રીના વધુ ટ્રકો આવશે કે નહીં. 2 માર્ચ પછી સોમવારે ગાઝામાં ટ્રકોની અવરજવર શરૂ થઈ હતી. ગાઝામાં લોકો પાણી માટે પણ તરસી રહ્યા છે. એક પેલેસ્ટાઇનીએ કહ્યું, “મારી દીકરી સવારથી બ્રેડ માંગી રહી છે, પરંતુ મારી પાસે કંઈ નથી.”
ઇઝરાયેલી વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના 75થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ નિવેદનમાં જણાવ્યું કે તેની વાયુસેનાએ આતંકવાદીઓના 75થી વધુ ઠેકાણાઓ નષ્ટ કર્યા છે. હુમલાઓમાં આતંકવાદીઓ, રોકેટ લોન્ચરો, સૈન્ય પરિસરો, હથિયાર ભંડારણ સુવિધાઓ અને અન્ય સૈન્ય માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.