
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકની સુચના મુજબ ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર લગામ કસવા પાસા- તડીપાર જેવી સખ્તાઈ દાખવી છે. અમદાવાદ શહેરના આવા 150થી વધુ કુખ્યાતોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે તો 33 જેટલા ગુનેગારોને રાજ્ય બહાર તડીપાર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે , અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા સખ્તાઈ દાખવી છે. અમદાવાદ શહેરમાં અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાંઓનો અસરકારક અને દાખલારુપ ઉપયોગ કરવા માટે શહેરના તમામ સુપરવાઈઝરી અધિકારીઓ તેમજ થાણા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ કમિશ્નરની સુચનાનો અમલ કરતાં અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પી.સી.બી.) દ્વારા શહેરના થાણા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને શહેરમાં ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમોની પાસા-તડીપારનો અમલ કર્યો છે. આવા ગુનેગારોને પકડીને રાજ્યની અન્ય જેલોમાં મોકલી દેવાયા છે. તો ક્યાંક રાજ્યબહાર તડીપાર પણ કરવામાં આવ્યા છે. ગુનેગારોની પ્રવૃત્તિ અને તેના ગુનાઓ મુજબ છેલ્લા એક મહિનામાં 150થી વધુ અસામાજીક તત્ત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
અસામાજીક તત્વો વિરુદ્ધની આ મુહિમના કારણે છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં શહેરના કુલ ૧૫૦ અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે. જેમાં ભુજ જેલ ખાતે-૪૦, રાજકોટ જેલ ખાતે-૩૦, સુરત જેલ ખાતે-૪૫ તેમજ વડોદરા જેલ ખાતે-૩૫ ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે ૩૩ ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવાના હુકમો કરવામાં આવ્યા છે. વધુમાં, ચાલુવર્ષ ૨૦૨૫માં માર્ચ મહિના સુધીમાં કુલ ૨૬૭ જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ તેમજ કુલ ૪૦ ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે.