
Patan News: પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક મિલ માલિકને બંદુકનો ડર બતાવી ખંડણી માંગવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણ જિલ્લામાં હારીજ ઓઇલ મિલના માલિકની કમરે તમંચો અડાડીને ખંડણી માંગવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હારીજમાં ભાજપ શહેર પ્રમુખના ભાઈને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે.
હારીજમાં ધંધો કરવો હોય તો મને રકમ આપવી પડશે - આરોપી
મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના હારીજમાં મંગલજી ઠાકોર નામના શખ્સે ધમકી આપતાં કહ્યું હતું કે, હારીજમાં મિલ ચલાવવી હોય તો મને સમજવો પડશે તમારે મને રકમ આપવી પડશે. આ મામલે ફરિયાદી ભાવેશભાઈ ઠક્કરે હારીજના મંગલજી કરનાજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલતા ઝુંબેશનો ફિયાસ્કો
જે વેપારીને ધમકી મળી તે ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે. જેને પગલે લોકમાનસમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, જો ભાજપના નેતાઓને જ ધમકી મળતી હોય તો સામાન્ય નાગરિક કેટલા સુરક્ષિત? એક તરફ ગુજરાત પોલીસ ગુનાખોરો સામે કડક કાર્યવાહી કરવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે.