
Patan News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં પાટણમાંથી એક ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળી રહી છે. પાટણ જિલ્લામાં સિદ્ધપુર - પાટણ હાઈવે પર ફેક્ટરીમાં ATO મશીનમાં આગ લાગતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. નેદરા - કનેસરા રોડ પર આવેલ ઈસબગુલની આતિશ ફેક્ટરીમાં ATO મશીનમાં આગ લાગી હતી જેમાં બે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ATO મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરેલી હતી
મળતી માહિતી પ્રમાણે, ATO મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરેલી હતી. બપોરના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક મશીનમાં આગ લાગી હતી. સિલિનિયમની ભૂકીની બોરીઓ ટ્રકમાં ભરવા ATO નો દરવાજો ખોલતા આગ લાગી હતી. ફેક્ટરીમાં લોકોએ ફાયર સેફટીની બોટલો દ્વારા આગને કાબુમા લીધી. અગમ્ય કારણોસર આગ લાગતા બે મજૂરો હાથ પગ અને શરીરના ભાગે દાઝ્યા હતા.
બંને કામદારોને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા
ઈજાગ્રસ્તોને 108 માં સિધ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા અને 25 વર્ષીય અજય પરમદેવ પાસવાન હાલ સારવાર હેઠળ છે. બંને ઈજાગ્રસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.