આજે ચૈત્રી નવરાત્રિની પૂનમનો પાવન અવસર છે. જેને લઈને રાજ્યના પવિત્ર મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં દર્શન માટે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.
પાવાગઢમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ
ચૈત્રી પૂનમના દર્શન માટે પાવાગઢ ખાતે વહેલી સવારથી જ હજારોની ભીડ. પૂનમના દર્શન માટે મળસ્કે પાંચ વાગે મંદિરના દ્વાર ખુલ્યા. માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓએ પૂનમના દર્શન શરુ કર્યા. ગઈકાલ રાતથી જ ડુંગર ખાતે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવશે તેવી શક્યતા.
અંબાજીમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની લાંબી લાઈન
ચૈત્રી પૂનમને લઈને યાત્રાધામ અંબાજી મંદિરમાં માનવમહેરામણ ઊમટ્યું. સવારની મંગલા આરતીમાં જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સવારની મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી અદ્ભૂત રીતે શણગારવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમે અંબાજી, બહુચરાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. પૂનમને લઈ ઘણા ભક્તો દૂરદૂરથી દર્શન કરવા લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. શ્રધ્ધાળુઓએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પૂનમને લઈ શામળિયાને વિશેષ શણગાર
ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટયા હતા. ભગવાન શામળીયાને પૂનમ નિમિત્તે વિશેષ શણગાર કરાયા. ભગવાન શામળિયાને પૂનમ નિમિત્તે ઘોળી ધજા ચડવવામાં આવી. નિજ મંદિરને ફૂલોથી સજાવાયું કળિયા ઠાકરને હીરા જડિત સુવર્ણ મુઘટ પણ પહેરાવવામાં આવ્યો. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તિમય બન્યા.
ચોટીલામાં લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી પહોંચ્યા
ચૈત્રી પૂનમે ચોટીલામાં માઈ ભક્તોનો જનસેલાબ જોવા મળ્યો. પાંચ લાખ જેટલા ભાવિક ભક્તોએ માતાજીના કર્યા દર્શન. ચામુંડા ધામ ચોટીલામાં ચૈત્રી પૂનમના દર્શન અને પદયાત્રાનું ઉત્તર ગુજરાત સહિતનાં ભાવિકોમાં વિશેષ મહત્વ છે. લાખો ભાવિકોની પદયાત્રા સાથેનો પ્રવાહ બે દિવસ સુધી ધમધમતો રહ્યો છે. એક અંદાજ મુજબ પાચ લાખ જેટલા માઈ ભક્તો એ બે દિવસ દરમ્યાન ડુંગર મંદિર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. બે દિવસ સુધી પદયાત્રી સંઘોથી ચોટીલા ઉભરાયું હતું. ચોટીલામાં શ્રદ્ધાળુઓ માટે કરાયેલી તમામ વ્યવસ્થા ટૂંકી પડી. ડુંગર તળેટી ૪૮ કલાક સુધી ધમધમતી રહી ને ચામુંડા માતાજીનો જયઘોષ થતો રહ્યો છે. મધરાતથી જ માતાજીના ભક્તો માટે ડુંગર પગથિયાનાં દ્વાર ખુલ્લા મુકાયા હતા. આકરા તાપમાં પદયાત્રા કરીને આવતા લાખો ભાવિકો માટે ઠેર ઠેર તમામ સુવિધાઓ સાથેના સેવા કેમ્પો સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઉભા કરાયા છે. ડીજેના તાલે માતાજીના રથને હંકારીને આવતા ભાવિકો ધગધગતા તાપ વચ્ચે પણ ગરબે રમતા ઝૂમતા અપાર શ્રધ્ધા સાથે માતાજીના દર્શન કર્યા.
ઉંઝામાં હરખભેર ભક્તોએ મા ઉમિયાના કર્યા દર્શન
ઉમિયાધામ ઊંઝામાં ચૈત્રી પૂનમને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી દૂર દૂરથી મા ઉમિયાના ભક્તો દર્શનાથે પહોંચ્યા હતા. મા ઉમિયાના દર્શન કરવા સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. મા ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓએ હરખભેર કર્યા દર્શન.