
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ભાભર ગામે કરુણાંતિકા સર્જાઈ હતી. સ્થાનિક ફળિયામાં રહેતા ટીનાભાઈ કલજીભાઈ રાઠવા નામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે.
મદદ મળે તે પહેલા મોત
પ્રાથમિક માહિતી મુજબ, ટીનાભાઈ તળાવ પાસે ગયો હતો. આ દરમિયાન કોઈ કારણોસર તેઓ પાણીમાં ગયો અને બાદમાં તળાવમાં ડૂબી ગયો. ઘટના એટલી અચાનક બની કે આસપાસના લોકો કોઈ પ્રકારની મદદ પહોંચાડી શકે એ પહેલાં યુવાન ગાયબ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ કદવાલ પોલીસને જાણ કરી હતી.
તરવૈયાઓની મદદથી શોધખોળ
પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આ ઘટનાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કદવાલ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.