
Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા (DGCA)એ એર ઈન્ડિયાને કહ્યું કે, તે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનના કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે. આ આદેશ 12 જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોના મોત નિપજ્યા હતાં.
શનિવારે DGCA એ એર ઇન્ડિયા સામે કડક કાર્યવાહી કરતાં એર ઈન્ડિયાના ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર - ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ - પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. DGCA એ સ્પષ્ટતા કરી હતી કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ.
શું હતી ઘટના?
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત નિપજ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયનનો સમાવેશ થાય છે.
ત્રણ અધિકારીને બરતરફ કરવાનો આદેશ
આ દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન, DGCAએ એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા જણાવ્યું છે. DGCAએ સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખીને એર ઈન્ડિયાને આદેશ કર્યો છે કે, આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે.
નોંધનીય છે કે, ડ્રીમલાઈનર અને એરબસ એરક્રાફ્ટનું ખાસ નિરીક્ષણ ઝડપથી થઈ રહ્યું છે. આ વિશે તપાસ શરૂ છે. બ્લેક બોક્સની પ્રારંભિક માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ અકસ્માત એન્જિન, સ્લાઇડ, ફ્લૅપ અથવા ટેકઓફ સંબંધિત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હોઈ શકે છે.