
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે.
29 વર્ષીય હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત
વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો.
ST ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત
વડોદરામાં GSRTCના બસ ડ્રાઈવર મિતેષ જાડિયાનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું છે. મિતેષ જાડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે કાર્યકરોને લઈને આવ્યા હતા. કાર્યકરોને ઉતાર્યા બાદ તેઓ બસમાં બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.