
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, શું ભારતની વિદેશ નીતિનો ઉદ્દેશ માત્ર પ્રચાર કરવાનો છે? વડાપ્રધાન એવા દેશોની મુલાકાત કરી રહ્યા છે, જેનું નામ પણ લોકો જાણતા નથી. માનને કટાક્ષ કરતાં કહ્યું કે, વડાપ્રધાન બે દેશો વચ્ચેનું યુદ્ધ રોકી શકે છે, તો પછી પંજાબ અને હરિયાણા વચ્ચેના મુદ્દાઓને કેમ ઉકેલતા નથી?
ભગવંત માને પીએમ મોદી પર કર્યો કટાક્ષ
આજે શુક્રવારે પંજાબ વિધાનસભામાં હાસ્ય કલાકારમાંથી નેતા બનેલા માનએ કહ્યું કે, એવું લાગે છે કે, જ્યારે વડાપ્રધાન પોતાના વિમાનમાં ઉડાન ભરી રહ્યા હોય છે, ત્યારે નીચે જુએ છે અને પૂછે છે કે, આ કયો દેશ છે? તેમને જવાબ મળે છે કે, આ એક દેશ છે. તો તેઓ કહે કંઈ વાંધો નહીં, આપણે જ્યાં જઈ રહ્યા છીએ, ત્યાં એક કલાક મોડા પહોંચીશું, ચલો હાલ આપણે આ દેશમાં ઉતરીએ. આવી જ રીતે તેઓ પાકિસ્તાનમાં પણ ઉતર્યા હતાં. તેઓ 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં રહેતાં નથી, અને એવા દેશોનો પ્રવાસ કરી રહ્યા છે, જેના નામ પણ ઘણા લોકોને ખબર નથી.
પાકિસ્તાનમાં બિરયાની જમીને પાછા આવ્યાં
ભગવંત માને 2015માં પીએમ મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાન અમસ્તા જ પાકિસ્તાન ગયા ન હતા. આમંત્રણ વિના તેઓ ત્યાં ગયાં અને બિરયાની જમીને પરત આવ્યાં. આપણે પાકિસ્તાન જઈ શકતા નથી. પરંતુ તેઓ ત્યાં ઉતરાણ કરી શકે છે. નોંધનીય છે, 2015માં વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસેથી અને અફઘાનિસ્તાનમાં થોડો સમય રોકાણ કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતાં, ત્યારે અચાનક પાકિસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે માનની ટીકા કરી
વિદેશ મંત્રાલયે ભગવંત માનના નિવેદનને બેજવાબદાર અને ખેદજનક ગણાવ્યું છે. આ નિવેદન માત્ર ભારતના રાજદ્વારી અભિગમને પડકારતું જ નથી, પરંતુ એક નવો રાજકીય મુદ્દો ઉભો કરે છે. જેની ચારેકોર ચર્ચા શરૂ થઈ છે. તદુપરાંત ભગવંત માને દિલજીત દોસાંજની અપકમિંગ ફિલ્મમાં એક પાકિસ્તાની અભિનેતાની ભૂમિકા પર ચાલી રહેલા વિવાદ પર પણ ટીપ્પણી કરી કે, આ ફિલ્મનું શૂટિંગ પહેલાંથી જ થઈ ગયુ હતું. હવે તેને ગદ્દાર સાથે જોડવી અયોગ્ય છે. ક્યારેક દિલજીતને લોકો ગદ્દાર કહે છે, તો ક્યારેક સરદાર. આ બેવડું વલણ ફિલ્મ જગત જ નહીં પણ સમાજમાં પણ અસમંજસ ઉભી કરે છે. કલાને રાજકારણથી દૂર જ રાખવી જોઈએ.