
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. આ અવરસ પર ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, 'મારા માટે આ ગર્વ અને સન્માનની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન પર આ વિશે માહિતી આપી હતી. તેમણે મારી સાથે મરાઠી ભાષામાં વાતચીત કરી હતી.'
આ જવાબદારીઓ સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવીશ: ઉજ્જવલ નિકમ
26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણાં હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂકેલા ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો ત્યારે તેમણે મને પૂછ્યું કે વાતચીત હિન્દીમાં થવી જોઈએ કે મરાઠીમાં. આ સાંભળીને અમે હસી પડ્યા. ત્યારબાદ પીએમ મોદીએ મરાઠીમાં કહ્યું કે રાષ્ટ્રપતિ મને રાજ્યસભાની જવાબદારી આપવા માંગે છે. મે સંમતિ આપી અને આ સન્માન માટે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો. તેમણે ખાતરી આપી કે હું આ જવાબદારીઓ સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવીશ.'
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન મોદી અંગે ઉજ્જવલ નિકમ જણાવ્યું કે, 'લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન હું પીએમ મોદીને મળ્યો હતો, ત્યારે તેમણે મારા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તે મુલાકાત પછી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નોમિનેટ થવું એ મારા માટે એક મોટી જવાબદારી છે. આ મારા માટે વ્યક્તિગત સન્માન જ નહીં પરંતુ દેશની ન્યાયિક વ્યવસ્થા અને કાનૂની વ્યવસાય માટે પણ સન્માન છે.'
ઉજ્જવલ નિકમે 26/11 કેસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ દેશના સૌથી ચર્ચિત કેસોમાં ફરિયાદ પક્ષ વતી વકીલ રહ્યા છે. તેમણે 26/11 મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબને મૃત્યુદંડની સજા અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે 1993 મુંબઈ બોમ્બ વિસ્ફોટ, પ્રહલાદ શિંદે દુષ્કર્મ કેસ, સુનંદા પુષ્કર કેસ અને નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં વિશેષ ફરિયાદી તરીકે પણ કામ કર્યું છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી મળ્યું સન્માન
મહારાષ્ટ્ર સરકારે ઉજ્જવલ નિકમને કાયદાકીય યોગદાન માટે સન્માનિત કર્યા છે. તે સામાન્ય લોકોમાં ન્યાયની આશા રાખતા અને આતંકવાદ સામે મજબૂત વલણ ધરાવતા વકીલ તરીકે જાણીતા છે. હવે રાજ્યસભામાં તેમની હાજરી કાયદાકીય ક્ષેત્રના પ્રતિનિધિત્વને વધુ મજબૂત બનાવશે.