
- હોટલાઈન
- પીઓકેના કાશ્મીરી નાગરિકો કટ્ટર ભારતવિરોધી છે. આવી માનસિકતા ધરાવતા લોકો ઇન્ડિયન સીટીઝન બની જાય તો દેશની શી વલે થાય?
શું ભારત પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર મુક્ત કરાવીને પોતાની સરહદ વિસ્તારી શકે? એવો પ્રશ્ન કોઇએ ચાર- પાંચ દાયકા પહેલાં કર્યો હોત તો એવો જવાબ આપી શકાયો હોત કે હા, આજના મિલિટરી પાવર સાથે ભારત પીઓકેને પોતાની સાથે જોતરી શક્યું હોત. પરંતુ આજની જિયોપોલિટિકલ સ્થિતિ સાવ અલગ છે. લશ્કરી કાર્યવાહી કરીને પીઓકેનો કબ્જો મેળવવો ખૂબ કપરું કામ છે, કારણ કે ભારત અને તેના બીજા બે સંબંધિત પાડોશી ચીન તથા પાકિસ્તાન અણુશસ્ત્રો ધરાવે છે.
આપણે સૌ એ પણ જાણીએ છીએ કે ઘણી બધા બાબતોમાં પાકિસ્તાન અને ચીનનાં હિતો એક સમાન છે. એવું નથી કે ભારતનું મનોબળ નબળું છે. સરકાર અને સૈન્ય પોતાનું લક્ષ્ય હાંસલ કરવા સમર્થ છે. પરંતુ આ દિશામાં કોઇપણ પગલું ભરતાં પહેલા તેના ફાયદા અને ગેરફાયદા સમજી લેવા જોઇએ.
આઝાદ કાશ્મીર અને ચીનના કબ્જા હેઠળનું અક્સાઈ ચીન મેળવવાથી આપણા દેશમાં બીજી ૫૦,૦૦૦ ચોરસ કિમી જમીન વધી જશે, પીઓકેનો વિસ્તાર ૧૩,૨૯૭ ચો. કિ.મી. છે જ્યારે અક્ષય ચીનનો એરિયા ૩૭,૨૪૪ ચોરસ કિમી છે. જો આપણે આઝાદ કાશ્મીર પર કાબુ મેળવી લઇએ તો ચીન અને પાકિસ્તાન વચ્ચેનો જમીન માર્ગ કપાઇ જાય. અરબી સમુદ્ર સુધીની ચીનની પહોંચ પણ ન રહે.
માની લો કે અક્સાઈ ચીનને જીતી લેવાનો વિચાર ભારત હાલ પૂરતો માંડી વાળે. (એમ જ કરવું ઉચિત છે કારણ કે જિનઝિયાંગ પ્રાંત પર અંકુશ જાળવી રાખવા ચીન માટે અક્ષય ચીન મહત્ત્વનું સ્થળ છે) ચીનને અક્સાઈ ચીન ગુમાવવું સહેજે પાલવે તેમ નથી. વળી ચીન યુનોનું કાયમી સભ્ય છે. તેથી રાજદ્વારી રીતે ચીન ભારતને એકલું પાડી દેવાના પ્રયાસ કરે. આમ કરીને વૈશ્વિક સ્તરે ભારતની આબરૂને પણ બટ્ટો લાગે.
સૌથી મોટી સમસ્યા તો એ છે કે આઝાદ કાશ્મીર કે અક્સાઈ ચીન બાબત કોઇપણ લશ્કરી કાર્યવાહીથી ભારતને મોટો ગંભીર ફટકો પડે. વર્તમાન સમયમાં દેશનું અર્થતંત્ર સતત સુધરતું જાય છે. વિદેશી રોકાણ વધી રહ્યું છે. એટલે કે એક પગલું ખોટું ભરે તો દેશ અબજોના ખાડામાં ઉતરી જાય.
ઓપરેશન સિંદૂરમાં જવલંત સફળતા મળ્યા બાદ પણ સોશિયલ મીડિયા પ્રેમીઓ જોરશોરથી ચીખે છે કે હવે તો પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર લઇને જ ભારતે શાંત પડવું જોઇએ. આવું દ્રઢપણે માનનારાને કહેવું પડે છે એકવાર મિલિટરી ઓપરેશનના અંતિમ પગલાંથી કદાચ પીઓકે આપણા કબ્જામાં આવી પણ જાય, પરંતુ ત્યારબાદ વધી પડેલી ભારતની વસતિને સમાવવી-સાચવવી કેવી રીતે? પીઓકેની હાલની વસતિ ૪૦ લાખની છે. જેમાં ગિલગીટ બાલ્ટીસ્તાનની ૧૪ લાખની જનતા ઉમેરો તો કુલ સંખ્યા અડધા કરોડથી વધી જાય. આ તમામ વસતિમાં ૯૯ ટકા લોકો તો મુસ્લિમ છે. બાકી બચ્યા એ કાશ્મીરી, બાલ્ટીસ્તાની કે પંજાબી છે. મહત્ત્વનો સવાલ એ છે કે શું આપણે આઝાદ કાશ્મીરને ભારતમાં સમાવ્યા પછી તેના ૫૪ લાખ નાગરિકોને સીધેસીધી ભારતીય નાગરિક્તા આપી દઇશું? આ પ્રશ્ન એટલા માટે જટિલ છે, કારણ કે આ વસતિમાં ઘણાં ખરાં વર્ષોના પાકિસ્તાની પ્રોપાગન્ડાની અસર હેઠળ કટ્ટરવાદી બન્યા છે. આ 'જોખમી જણસ'નો સીધેસીધો ભારતીઓની વસતિમાં ઉમેરો થાય તો દેશની સલામતી વ્યવસ્થા મોટી ચિંતાનો વિષય બની જાય. આપણી પાસે પીઓકેના નાગરિકો વિશેની કોઇ સ્પષ્ટ માહિતી, સુરેખ ચિત્ર નથી.
એક સમયે બાલ્ટીસ્તાની નાગરિકો પર થોડેઘણે અંશે વિશ્વાસ મૂકી શકાય, પરંતુ પીઓકેના કાશ્મીરી નાગરિકો કટ્ટર ભારત વિરોધી છે. યુકેમાં સ્થાયી થયેલા મોટાભાગના કાશ્મીરી લોકો ભારતવિરોધી વલણ ધરાવે છે. બ્રિટનમાં વસતા હિન્દુઓ સામે હિંસાચાર અને લંડન સ્થિત ભારતીય એમ્બેસી પરના હુમલામાં પણ તેઓ અગ્રેસર છે. હવે આવી ભારતવિરોધી માનસિકતા ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઇન્ડિયન સીટીઝન બની જાય તો દેશની શી વલે થાય?
'ભારત સરકારે એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે પાક. કબ્જા હેઠળનું કાશ્મીર મેળવીને જ ઝંપીશું. આંતરરાષ્ટ્રીય દબાણને વશ થયા વિના ભારતે હવે આઝાદ કાશ્મીરની મુક્તિ માટે કડક કારવાઈ હાથ ધરવી જ પડશે.' ત્રણ વર્ષ પૂર્વે પંદરમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર જોગું પ્રવચન કર્યું ત્યારે તેમણે આઝાદ કાશ્મીર, ગિલગીટ અને બલુચિસ્તાનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની દુખતી રગ દબાવી હતી.
છેક ૧૯૯૫માં સંસદગૃહમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થયો હતો કે પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરને પણ ભારતમાં ભેળવી દેવું એ આપણા રાષ્ટ્રનો અંતિમ ધ્યેય છે.
ઉપરછલ્લી રીતે પાક. કબજા હેઠળનું કાશ્મીર (આઝાદ કાશ્મીર) પાકિસ્તાન માટે વરદાન દેખાતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે કાશ્મીર પાકિસ્તાન માટે અભિશાપ સિદ્ધ થઈ રહ્યું છે. એક વાર આઝાદ કાશ્મીરના લોકોને બળવો કરવાનો અવસર મળશે તો પાકિસ્તાનનું અસ્તિત્ત્વ ખતરામાં પડી જશે. ભારતીય કાશ્મીરમાં ચૂંટણી યોજાય છે, પંચવર્ષીય યોજના હેઠળ વિકાસ કાર્યક્રમ ચલાવે છે. તેમાંય આર્ટિકલ ૩૭૦ હઠાવી લીધા બાદ જમ્મુ-કાશ્મીરનો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. કાશ્મીરીઓની રોજીરોટીનો પ્રશ્ન ઉકેલવા સરકાર સતત પ્રયત્નશીલ રહે છે, પરંતુ પાકના કબજા હેઠળ કાશ્મીરની હાલત એવા નરક જેવી છે જેની બારી પણ ખુલતી નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે જે સમાચાર ગળાઈગળાઈને આવે છે તેના પરથી લાગે છે કે પાકિસ્તાનને ભારતીય કાશ્મીરને મેળવવાના પ્રયાસ કરતાં પણ વધારે જહેમત પોતાની પાસેનો ટુકડો પીઓકે બચાવવા માટે કરવી પડે છે.
પાક અધિકૃત કાશ્મીરની જનતા પાકિસ્તાનના રાજકારણીઓ અને સૈનિકોથિી સખત નારાજ છે, કારણ કે આ લોકો છેલ્લા થોડા સમયથી અંકુશરેખાની આસપાસ વસેલા લોકોને બેથી પાંચ કિ.મી. પાછળ ધકેલી રહી છે. પાકિસ્તાન સરકાર જ્યાં કાશ્મીરીઓના પૂર્વજોની જમીન હતી ત્યાં પાકિસ્તાનના નિવૃત્ત સૈનિકો, અફઘાન શરણાર્થીઓ અને ભાડૂતી આતંકવાદીઓને વસાવી રહી છે. છેલ્લાં ૧૦ વર્ષથી ત્યાં આતંકવાદીઓ માટે તાલીમ શિબિરો ચાલે છે જેથી મોકો મળે તો તેમને ભારતમાં ઘૂસાડી દેવાય. હવે અહીં કટ્ટરવાદી મૌલાનાઓની બોલબાલા છે. સુન્ની મૌલાનાઓના કટ્ટરવાદી સંગઠન સિપાહે સહાબાનું અહીં વડુ મથક છે.
પાક અધિકૃત કાશ્મીરની જનતા અફઘાનોને પોતાના વિસ્તારમાં સ્થાયી કરવા નથી માગતી, કારણ કે આ અફઘાનો ગેરકાયદે હથિયાર અને કેફી દ્રવ્યોનો ધંધો કરીને કાશ્મીરની શાંતિનો ભંગ કરે છે. કાશ્મીર લિબરેશન ફ્રન્ટે તો સરકારને એવી ધમકી આપી છે કે જો આ ભાડૂતી અફઘાનોને કાશ્મીરમાંથી નહીં હટાવાય તો અહીંના લોકો તેમને હટાવશે જો આંતરવિગ્રહ થશે તો પાકિસ્તાનની હાલત અફઘાનિસ્તાન જેવી થશે.
ગિલગિટ અને બાલ્ટિસ્તાનની હાલત તો એનાથી પણ ખરાબ છે. સંપૂર્ણ ઉત્તરી કાશ્મીર અને મોટી ઉપેક્ષાનો શિકાર છે. રસપ્રદ વાત એ છે કે ૧૯૯૩ માં મુઝફ્ફરાબાદ સ્થિત પાક અધિકૃત કાશ્મીરની વડી અદાલતે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને કથિત આઝાદ કાશ્મીરનો ભાગ માનવાનો જ ઈનકાર કર્યો હતો અને એવો ચુકાદો આપ્યો હતો કે આ ભાગ ભારતનો છે. ભારતે ૧૯૬૫ના યુદ્ધમાં એને જીતી લીધો હતો, પરંતુ કમનસીબે આપણા રાજકારણીઓ એને મંત્રણાના મેજ પર ખોઈ બેઠા હતા. લંડનમાં રહેનારૌ પીઓકેના જાગ્રત નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘને ૧૯૯૪માં એવી અપીલ કરી હતી કે જો આ વિસ્તાર પાકિસ્તાનનો ન હોય તો અમને ત્યાં આઝાદ સરકાર બનાવવાની અનુમતિ આપો. આ ક્ષેત્રની જનતા આઝાદી માટે મરી રહી છે, પરંતુ તેને અભિવ્યક્તિ દેનારું કોઈ નથી. પાકિસ્તાનના સિનિયર પોલીસ અધિક્ષક અમીર હમજાને ગિલગિટમાં નીમવામાં આવ્યા હતાં, પરંતુ તેમને સરકાર સાથે ફાવ્યું નહીં ત્યારે તેમણે આનો લાભ ઉઠાવીને સંપૂર્ણ પાક અધિકૃત કાશ્મીરની સાચી સ્થિતિ તો કહેતો એક અહેવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ સેક્રેટરીને રવાના કર્યો હતો. આ અહેવાલ જ્વાળામુખી જેવો છે.
૩૫ પાનાનાં આ અહેવાલમાં અમીર હમજાએ એવો સવાલ કર્યો છે કે જોે ગિલગિટ અને બાલ્ટિસ્તાન ભારતીય કાશ્મીરના ભાગ છે તો એનો કબજો શા માટે પાકિસ્તાનને સોંપવામાં આવ્યો છે? અમીર હમજાએ પોતાના અહેવાલમાં એ અરજીની ચર્ચા કરી જે અલ જિહાદ ટ્રસ્ટે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નોંધાવી હતી. પાકિસ્તાન સરકારે પોતાના જવાબમાં કહ્યું હતું કે પાક. અધિકૃત કાશ્મીર પર પાકિસ્તાનનો કબજો ગેરકાનૂની છે, એટલું જ નહીં, પણ પાકિસ્તાન પાસે અહીં શાસન ચલાવવાનો બંધારણીય અધિકાર પણ નથી. આ યાચિકામાં પાક સરકારને પક્ષકાર બનવામાં આવી હોવાથી પાક સરકારે આનો જવાબ આપ્યો હતો. સરકારની દલીલ એવી હતી કે આ ભાગ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ ન હોવાથી સર્વોચ્ચ અદાલતને આ મુદ્દા પર વિચાર કરવાનો અધિકાર નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે સંસદ દ્વારા કાનૂની રીતે ઉત્તર ક્ષેત્રના ગિલગિટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરવાનો બાકી છે. એક તરફ પાકિસ્તાન સરકારનું આ કથન અને બીજી તરફ ઉત્તરી કાશ્મીરમાં સ્વાયત્તાની માગને ગેરકાયદે કહેવાતું પાકિસ્તાનનું વર્તન વિરોધાભાસી છે. પાકિસ્તાનને એવો વિશ્વાસ નથી કે ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો સમાવેશ તેનામાં આવે છે કે નહીં. ભારતે આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને આક્રમક બનીને ત્યાંની જનતાનો અવાજ બુલંદ કરવો જોઈએ. પાકિસ્તાનની વિરુદ્ધ આનાથી અકસીર કૂટનીતિ બીજી કોઈ ન હોઈ શકે.
ગયા માર્ચ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આઝાદ કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદે કબજો કરી બેઠું છે, જે ખાલી કરવો જોઈએ.
પાકિસ્તાનના બંધારણ પ્રમાણે પણ, પીઓકે પાકિસ્તાનનો હિસ્સો નથી. પાકિસ્તાનના બંધારણની કલમ ક્રમાંક-૧ કહે છે કે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનવા, પંજાબ અને સિંધ પ્રાંત છે. પાકિસ્તાનના બંધારણમાં પીઓકેનો ઉલ્લેખ આટકલ ૫૭માં કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીઓકે પાકિસ્તાનનો હિસ્સો ત્યારે બનશે જ્યારે ત્યાંના લોકો અમારાથી જોડાવા ઈચ્છશે અર્થાત્ લોકમત લેવાય ત્યારે.
પાકિસ્તાન સરકારે મે, ૨૦૨૪માં ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં કહ્યું હતું કે પીઓકે વિદેશી જમીન છે. આ દરમિયાન પાકિસ્તાનના એટર્ની જનરલે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી જમીન છે.
આ પછી પાકિસ્તાને પીઓકેથી પોતાનો ગેરકાયદે કબજો હટાવવો જોઈએ અને યુએનમાં વારંવાર રટણ કરવું જોઈએ નહીં.
હવે સમય આવી ગયો છે કે કેવળ વાતોથી અને નિવેદનોથી ભારતને પીઓકે હાંસલ નથી થવાનું. આ માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સામરિક દબાણ વધારવાનું રહેશે. આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ પણ પીઓકે માટે કરવાનો રહેશે. શક્તિશાળી દેશો સાથે મજબૂત સંબંધો પછી હવે ભારતે પીઓકેની દિશામાં અસરકારક પગલાં ભરી રહી છે. પાકિસ્તાનનું માનવું છે કે પીઓકેના લોકો જ્યારે જોડાવા ઈચ્છશે, ત્યારે તે તેનો હિસ્સો હશે. ભારતે પાકિસ્તાનના બંધારણની આ સ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ.
૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે ભારતમાં વિલય માટે હસ્તાક્ષર પણ કર્યા હતા. આ કાયદાકીય સ્થિતિ ભારતની તરફેણમાં છે, જેનાથી ભારત પીઓકે હાંસલ કરી શકે છે. છેલ્લાં ચાર યુદ્ધ દરમિયાન ભારતે પીઓકે અને ગિલગિટ બાલિસ્તાનને હાંસલ કરવાની તકો ગુમાવી છે. શાંતિના માહોલમાં મંત્રણાથી ભારત પીઓકે હાંસલ કરી શકે એવી આશા વ્યર્થ છે.
આર્મીના વેસ્ટર્ન કમાન્ડના અમુક અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ૧૫ દિવસથી જમ્મુ-કાશ્મીર તેમજ આઝાદ કાશ્મીરની પાકિસ્તાન સરકાર પ્રેરિત બળવાખોરીને ડામી દેવા ભારતીય લશ્કરે મોટા પાયા પરની વ્યૂહરચનાઓ તૈયાર કરી છે. રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (રૉ)ની એક શાખા એવિએશન રિસર્ચ સેન્ટરે અમુક નાનાં વિમાનો ઉડાડીને કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતી પાકિસ્તાની ગતિવિધિઓની ફિલ્મો ઉતારી છે તેમ જ મહત્ત્વના અડ્ડાઓ, પુરવઠા માર્ગ, ચીનમાંથી ગુપ્ત રીતે પુરવઠો લાવનાર વાહનોના રસ્તા, પહાડોમાંના કેટલાંક ગુપ્ત પાકિસ્તાની મિલિટરી થાણા વગેરેની તસવીરો પણ ઝડપી છે. આ માહિતીના આધારે ભારતીય લશ્કર હવે શત્રુઓના અડ્ડાઓ પર ત્રાટકવા સજ્જ થયું છે.
જોકે અત્યારે વિચારાઈ રહ્યું છે તેમ શત્રુ દેશની સરહદમાં ઘૂસીને શત્રુના મથકોને ફૂંકી મારવાની યુદ્ધ નીતિ થોડી જોખમી તો છે જ, કારણ કે એકવાર સરહદ ઓળંગી જાવ પછી તો પૂર્ણ કક્ષાના યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તેમાં સામસામા અણુશસ્ત્રોનો ઉપયોગ થવાની શક્યતા પણ છે. તેનાથી ભારતને તો નુકસાન થશે જ, પણ પાકિસ્તાન માટે તો તે આત્મઘાતી પુરવાર થશે. કારણ કે આ વખતે ભારતીય સેના અગાઉના ત્રણ યુદ્ધ અને ઓપરેશન સિંદૂર કરતાં ય પાકિસ્તાનને વધુ ખોખરું કરી નાખવાની યોજના તૈયાર કરીને બેઠું છે. ડર માત્ર એટલો જ છે કે પાકિસ્તાન આઝાદ કાશ્મીરનો મોરચો ખોલે તે જ વખતે ઉત્તર દિશા અને ઈશાનની સરહદે ચીન સળવળાટ કરે, લશ્કરી દરમિયાન ગીરી કરે તો ભારતીય લશ્કર બે મોરચે ધ્યાન રાખવું પડે.
ભારતીય નેતાઓએ, તમામ પક્ષોએ આ પરિસ્થિતિની ગંભીરતા સમજી કમસેકમ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના કેન્દ્ર સરકારના ઈરાદાને અનુમોદન આપવું જોઈએ. આઝાદ કાશ્મીરની સમસ્યાનો દ્રઢપણે નિકાલ લાવવો હોય તો ભારત સરકારે સર્વસંમત નીતિ ઘડી મજબૂત મુકાબલો કરવો જ પડશે. એક આકરો ડોઝ આપી દઈએ તો પાકિસ્તાન કાયમ માટે કાશ્મીર અંગે ખો ભૂલી જશે.
પીઓકેમાં ચીનનો પગપેસારો, તેની જમીનનો ઉપયોગ અને ત્યાંની ભૂમિ પર ચલાવાતી લશ્કરી ગતિવિધીઓનો ભારતે ઘણીવાર વિરોધ કર્યો છે. પરંતુ ચીન એમ કંઈ ગાંઠે એમ નથી. થોડાં થોડાં સમયે ચીને તેના જવાનોની સંખ્યા વધારી છે. એટલે અધિકૃત રીતે ભલે ચીન પીઓકેને પોતાનો પ્રદેશ નથી ગણતું. પરંતુ પોતે આ વિસ્તારમાં સખત ઘુસ મારી છે. ભારત જ્યારે પુરી તાકાત લગાડી આઝાદ કાશ્મીર પર કબ્જો જમાવવા જશે ત્યારે પાકિસ્તાન તો પછી બોલશે, તે પૂર્વે આપણે કદાચ ચાઈનીઝ આર્મી સામે ટકારાવાનો વારો આવે.
એક વાત સમજી લેવા જેવી છે કે પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર તેમના માટે શિરોવેદના બની ગયું છે. કાંટાળો તાજ છે. આ 'પરાયા ધન'ને સાચવી રાખવા દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવું પડે તે પાકિસ્તાનને પોસાતું નથી. તેમાંય હવે ઓપરેશન સિંદૂર પછી ખોખરું થઈ ગયેલું પાક. હવે પીઓકે માટે નવેસરથી ભારતનું આક્રમણ ખમી શકે એમ નથી. તેથી કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે પાક. નેતાગીરી પીઓકેનો અખત્યાર ચીનને સોંપી દેશે. જે કોળિયો હું ખાઈ ન શકું એ તમને પણ નહીં ખાવા દઉં. એવું વલણ અપનાવનાર પાકિસ્તાન ચીન સાથે કોઈ સમજુતી કરીને પીઓકેનો હવાલો ચીનને સોંપી દે તો ભારત માટે આ વિસ્તારને પોતાનામાં સમાવવો બહું અઘરું થઈ પડશે. પાકિસ્તાને અગાઉ પણ ૧૯૬૩માં ચીન સાથે સરહદ કરાર કરીને ભારતનો ગણાતા સકશગમ વેલી વિસ્તાર ચીનને સોંપી દીધો છે.
પોતાની વિસ્તારવાદી નીતિને આગળ વધારતાં ચીને હવે પીઓકે પર કરડી દ્રષ્ટિ કરી હોવાનો ખુલાસો થયો છે. મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાનમાં ચીન ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક સૈન્ય અડ્ડો બનાવી રહ્યું છે. તાજિકિસ્તાન સોવિએટ રશિયાથી અલગ થયેલો સ્વતંત્ર દેશ છે, જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. ચીનની નવી ચાલનો ખુલાસો સેટેલાઇટ ઇમેજથી થયો છે. 'ધ ટેલીગ્રાફ'ના રિપોર્ટ અનુસાર ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે જોડાયેલા તાજિકિસ્તાનમાં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક ગુપ્ત સૈન્ય મથકનું છેલ્લા એક દાયકાથી નિર્માણ કરી રહ્યું છે. જોકે મૈકસાર ટેકનોલોજીસ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં સૈન્ય મથક, હેલિપેડ, બાઉન્ડ્રી, રસ્તો અને વોચ ટાવરના સંકેત મળે છે. જે સ્થળે ચીન ગુપ્ત સૈન્ય મથક બાંધી રહ્યું છે તે રણનીતિક રીતે ઘણું મહત્ત્વનું છે. તે અફઘાનિસ્તાનની સરહદ નજીક છે તથા પીઓકે સાથે તે જોડાયેલું છે. જરૂરિયાતના સમયે કોઈ પણ દેશમાં સરળતાથી સૈન્ય મોકલી શકાય તે રીતે ચીન તૈયારીઓ કરી રહ્યું છે જે જોતા પીઓકે પર તેની નજર હોવાની આશંકા છે.
સુફિયાણાનુ ચીન ભારત સાથેની શાંતિ મંત્રણામાં હંમેશાં એક જ વાતનું રટણ કરે છે કે તમે પાકિસ્તાન સાથે આપસમાં મળીને આ પ્રશ્ન ઉકેલો. શાંતિપૂર્વક સમાધાન શોધે. સ્થાનિક વતનીઓનો જનમત લઈને નક્કી કરો કે પીઓકે પર ખરો હક્ક કોનો છે. આવી ડાહી વાતો કરીને ચીન આઝાદ કાશ્મીર ભારતને સોંપી દેવાની વાત પર ઠંડુ પાણી રેડી દે છે.
બીજી તરફ આઝાદ કાશ્મીરના ઘણા નેતા વિદેશોમાં ફરી તેમની તરફેણમાં જનમત કેળવી રહ્યાં છે. જેમ કે શૌકત અલી કાશ્મીરી નામના આગેવાન બ્રિટન, અમેરિકાથી લઈ અનેક યુરોપિયન દેશોને પીઓકેની પ્રજા પર થતા જોર-જુલ્મની દાસ્તાનથી વાકેફ કરી રહ્યાં છે. અમઝદ અયુબ મિરઝા નામના એક નેતા એટલે સુધી કહે છે કે પાકિસ્તાન અને પીઓકેની પ્રજા વચ્ચે માલિક અને ગુલામ જેવા સંબંધ છે. પાકિસ્તાની શાસકો પીઓકેની કુદરતી સંપત્તિ, પાણી લૂંટી રહ્યાં છે. ત્યાં ઉત્પન્ન કરાતી વીજળી પાકિસ્તાન લઈ જાય છે અને પીઓકેની પ્રજા અંધારામાં સબડે છે.
અમજદ અયુબે એક સમયે ભારત સરકારને એવું આશ્વાસન આપ્યું હતું કે જો તેમને આઝાદી મળશે તો તેઓ ભારત સરકારને તમામ સહકાર આપશે. તેમની પ્રજામાં ભળી ગયેલા ગેરકાનુની કાશ્મીરીઓ કટ્ટરવાદીઓની ઓળખ તેમને છે. તેઓ વધુ સઘન સર્વે કરાવી આવા તોફાની તત્ત્વોને તડીપાર કરશે. અને આ રીતે તેમની પ્રજામાં જરૂરી સાફ-સફાઈ કરાવવા તૈયાર છે.
આઝાદ કાશ્મીર મુક્તિ ચળવણમાં જોડાયેલા ત્યાંના કેટલાક સ્થાનિક નેતાઓએ એટલે સુધી કહ્યું છે કે ભારતીય શાસકો ધારે તોે પહેલા અહીં સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર ગોઠવે. સત્તા હસ્તાસ્તરણ કરતા પૂર્વે શેૈક્ષણિક માળખું ગોઠવે. પ્રજાને તેમના હક્ક અને ફરજથી પૂરેપૂરા વાકેફ કરે. આ પ્રદેશનો આર્થિક વિકાસ થાય અને માળખાકીય સુવિધા વધારે. યુવાનોનું ભારત તરફી વલણ કેળવવા શિબિરો યોજે. તો હાલતમાં ઘણો સુધારો થાય. અત્યારે જે રીતે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સુધારવા ભારતની કેન્દ્ર સરકાર તનતોડ મહેનત કરી રહી છે એ જ નીતિ પીઓકે માટે અપનાવે કાશ્મીરના ગુમરાહ થઈ ગયેલા યુવાનોને દેશની મુખ્યધારામાં લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે તેવાં કદમ પીઓકેમાં પણ ઉઠાવે. તો કંઈ વાત બને.)
ભારત અને પીઓકેના નાગરિકો વચ્ચે જ્યારે આવી ભાવનાત્મક એકતા સર્જાય ત્યારે જ નેશનલ ઈન્ટેગ્રેશનની યોજના આગળ ધપાવી શકાય. આ પ્રકારનું મૂળભૂત માળખું સુધાર્યા વગર કોઈ પગલું ભર્યું તો ભારતમાં સીધેસીધા અંતિમવાદીઓ ઘૂસી જાય અને જગતમાં આપણો દેશ હાંસીપાત્ર ઠરે.