Home / Gujarat / Rajkot : New twist in Amit Khunt suicide case, accused girl filed complaint against police officers

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, આક્ષેપિત યુવતીએ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ 

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, આક્ષેપિત યુવતીએ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ 

રાજકોટ : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્યુસાઇડ નોટમાં જેના પર હનીટ્રેપનો આરોપ છે તે આક્ષેપિત યુવતી પૂજા રાજગોરએ રાજકોટ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા, રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી નોંધાવી છે. ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધની હોવાથી નિષ્પક્ષ તપાસ માટે ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી માંગ કરી છે. હાલ પૂજા ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જયુડિશિયલ કસ્ટડીમાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસ મને જ ખોટી રીતે ફસાવી રહી છે - પૂજા રાજગોર

ગોંડલ પંથકમાં ચકચાર જગાવનાર રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં જેની પર હનિટ્રેપનો આરોપ મૂકવામાં આવ્યો છે તે સગીરાએ ગંભીર આક્ષેપો સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂં નિવેદન આપ્યું હતું કે, 'પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પોલીસે દબાણ લાવીને મારી પાસે નિવેદન લખાવ્યા હતા. મારી પર દુષ્કર્મ થયું છે પણ પોલીસ મને જ ખોટી રીતે ફસાવી રહી છે. મને હેરાન કરીને છ લોકો વિરૂધ્ધ બોલવા મજબૂર કરી હતી. મને જીવનું જોખમ છે.'

અમિત ખૂંટે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું રીબડાનું નામ

રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમીત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી રાજકીય રંગ લાગતા મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

હું રાજદીપ સિંહને ઓળખતી પણ નથી: સગીરાનો આક્ષેપ

ચકચારી પ્રકરણમાં સમયાંતરે અનેક આક્ષેપબાજી ચાલુ છે ત્યાં આજે હનિટ્રેપ કેસની આરોપી સગીરાએ તેણીના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂ નિવેદન નોંધાવતા જણાવ્યું કે, 'મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખુબ દબાણ કરીને મને ૬ લોકો અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારાં અને મારા પરિવારનાં જીવને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ છે.'

મેજિસ્ટ્રેટ સમક્ષ વકીલ મારફતે સગીરાએ નિવેદન નોંધાવવા સાથે આ કેસમાં પીડિતા સગીરાની ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક-ધમકી આપવી સહિતની કલમ હેઠળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના ઝોન-૨ના ડીસીપી  જગદીશ બાંગરવા તેમજ એ-ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરૂદ્ધ અલગથી ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

'તારૂં નામ આરોપીમાંથી નીકળી જશે, તને આજીવન ખર્ચ આપીશું'

આજે સગીરાએ નિવેદનમાં કહ્યું કે, 'મને હેરાન કરીને ખોટુ બોલવા મજબુર કરાઇ હતી. જયરાજસિંહ અને પોલીસ મને નિવેદન અપાવતા હતા અને દબાણ કરતા હતા કે તું છ-સાત વ્યકિતઓના નામ આપી દે એટલે તારૂ નામ આરોપીમાંથી નીકળી જશે. તને આજીવન ખર્ચ આપીશું. આ રીતે દબાણ કરી નિવેદન લખાવતા હતા.' 

અનિરૂદ્ધસિંહ સહિત ત્રણેય આરોપી દેશ છોડીને જતા રહ્યાનું અનુમાન

રીબડાના અમિત ખૂંટે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આપઘાત કર્યો હતો. એ પહેલાં તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં અનિરૂદ્ધસિંહ, રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે અને આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યાનું અનુમાન છે.

 

Related News

Icon