
કાયદાની આંટીઘૂંટીમાં લઈને કોઈપણ વ્યક્તિને નતમસ્તક કરી શકાય છે તેવી વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. એક દસકાથી ગુજરાત પોલીસ વિભાગમાં આજ પદ્ધતિથી કામગીરી કરવામાં અને લેવામાં આવી રહી છે. પરંતુ આજ કાયદાની આંટીઘૂંટીમાં સિનીયર પોલીસ અધિકારીઓ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા હોવાના અનેક કિસ્સાઓ પણ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત પોલીસમાં એક નવો ટ્રેન્ડ શરુ થયો છે. અને આ ટ્રેન્ડ શરુ કરનાર ગુજરાત પોલીસ વિભાગમાં મહત્ત્વના પોસ્ટીંગ પર હાલ કાર્યરત એવા 4 મોસ્ટ સિનીયર અધકારીઓએ હોવાનું ચર્ચાય છે.
કેટલાક IPS અધિકારીઓને મળી ગર્ભિત ધમકી!
આ ટ્રેન્ડ વિશે વાત કરવા જઈએ તો પોલીસ વર્તુળમાં ચાલતી એક ચર્ચા મુજબ આઈપીએસ કેડરના 4 અધિકારીઓ તેમના જ ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ઠગાઈની અરજી અથવા તો ફરિયાદ અંગેની વિગતો મંગાવવાની શરુ કરી છે. ત્યારબાદ આ સિનીયર અધિકારીઓની ટીમ દ્વારા ગુજરાત પોલીસ વિભાગના કેટલાક ચોક્કસ વિભાગોમાં ફરજ બજાવતા સિનીયર આઈપીએસ અધિકારીને ટાર્ગેટ કરીને તેમની પર દબાણ આપવામાં આવી રહ્યું છે કે ચોક્કસ ઠગાઈની અરજીમાં જલ્દીથી જલ્દી ફરિયાદ નોંધવામાં આવે અને જો ફરિયાદ નહી નોંધાય તો તેમના વિરુદ્ધ ગુજરાત પોલીસ વિભાગના એક ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીને ગાંધીનગરમાં જ કોઈ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. અને આવી ગર્ભિત ધમકી કેટલાક IPS અધિકારીઓને મળી પણ છે.
IPS રેન્કના એક અધિકારીની હાલત જાયે તો કહા જાયે તેવી!
મહત્ત્વનું છે, કે આ ટાંટિયા ખેંચવાની નિતી પાછળનો મુખ્ય એજન્ડા એ છે કે ગુજરાતના મોસ્ટ સિનીયર આઈપીએસ અધિકારીને યેનકેન પ્રકારે નોકરીનો સમય વધી જાય તે પ્રકારના સપનાં બતાડવામાં આવ્યા હતા. તેથી આ મોસ્ટ સિનીયર IPS અધિકારી આ ટોળકીના નેતા બનીને નેતૃત્વ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની એક ઓફીસમાં ચાલતી ટાંટીયા ખેંચની આ રમતમાં કડક અને સ્વચ્છ છબી ધરાવતા IPS રેન્કના એક અધિકારીની હાલત જાયે તો કહા જાયે તેવી થઇ ગઈ છે. કારણકે મોસ્ટ સિનિયર અધિકારીની સુચનાનું અક્ષર સહ પાલન કરવાની તેમની નિતી આજે નહી પરંતુ આવનારા ભવિષ્યમાં તેમના માટે ઘણી નુકશાનકરાક સાબિત થઇ શકવાના અણસાર દેખાઈ રહ્યા છે. જો કે આ તમામ બાબતો અંગે જીએસટીવી ન્યુઝ પૃષ્ટિ કરી રહ્યું નથી આ તમામ વાતો ગુજરાત પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબની લખવામાં આવી છે.
ગાંધીનગરના અધિકારીને મલાઈ ચાખવા ન મળતા આકુળ વ્યાકુળ બન્યા!
ગાંધીનગરમાં પોલીસ ભવનમાં બેસતા સિનીયર IPS અધિકારીની લાળ છેક શહેરના પોશ ગણાતા અને નેતાઓના નિવાસ સ્થાન જે વિસ્તારમાં આવેલા છે તેવા પોલીસ સ્ટેશનમાં જમીનના કૌભાંડની અરજી થઇ હતી, ત્યાં લટકી છે. અને આ સિનીયર IPS અધિકારીને આ વાતની ગંધ આવી ગઈ જેથી તેમણે તાત્કલિક આ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરને સીધો જ ફોન કરી દીધો અને જમીન કૌભાંડની અરજી લઈને પોતાની કચેરી આવવા માટે આદેશાત્મક સુચના આપી હતી. પરંતુ આ ચાલાક ઈન્સ્પેકટરે શહેરના સિનીયર IPSને જાણ કરી અને તે IPS અધિકારીએ અરજી લઈને જવાની મંજુરી આપી નહીં. આખરે ગાંધીનગરના આ અધિકારીને મલાઈ ચાખવા નહી મળતાં આકુલ વ્યાકુળ થઇ ગયા છે.
રીંગ રોડ નજીક 10 કરોડ રૂપિયાનો બંગલો પણ ખરીદ્યો!
ગુજરાત પોલીસ વિભાગમાં સિનીયર અધિકારીઓ અંદરો અંદર હુંસાતુસી અને ટાંટીયા ખેંચવાની નિતી ચાલતી જ આવે છે. પરંતુ ચાર અધિકારીઓની ટોળકીએ તો દાટ વાળ્યો છે. આ ટોળકીના મોસ્ટ સિનીયર અધિકારીએ તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રીંગ રોડ નજીક 10 કરોડ રૂપિયાનો બંગલો પણ ખરીદ્યો હોવાનું ચર્ચાય છે. તથા મૂળ ગુજરતના અને હાલ સટ્ટાબેટિંગના બેતાજ બાદશાઓ બનીને વિદેશમાં જ્યાં આગળ સ્થાયી થયેલા છે, તેવા દેશમાં કરોડો રૂપિયાનો વિલા અને જમીન ખરીધી હોવાનું પણ સાંભળવા મળ્યું છે. આ તમામ બાબતો ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા સિનીયર નેતાઓના ધ્યાને પણ આવી છે માટે જ રાજ્યના પોલીસ વિભાગની કમાન કોને સોંપવી તે નામના લીસ્ટમાં તેમનું નામ સૌથી છેલ્લે રાખવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસથી ગાંધીનગરના પોલીસ વિભાગમાં ટાંટીયા ખેંચવાની અને વગર કારણે બીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારથી રાજ્યની કમાન કોને સોંપવી તે નામ પર એકંદરે મોહર લાગી ગઈ હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં શરુ થઇ ગયો છે.