
સનાતન ધર્મમાં નાળાછડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય, પૂજા, હવન પહેલાં કાંડા પર દોરો બાંધવાનો નિયમ છે. આને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે, જેમાં વૃક્ષો, છોડ અને પવિત્ર વસ્તુઓ પર પણ દોરો બાંધવાનો નિયમ છે. નાળાછડીને ઉત્તર ભારતમાં કલાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈપણ પૂજા કરતા પહેલા રક્ષાસૂત્ર પણ તાંબાના કળશ પર બાંધવામાં આવે છે. શું તમને ખબર છે કે આવું શા માટે કરવામાં આવે છે?
સનાતન ધર્મની માન્યતાઓમાં તાંબાને સૌથી પવિત્ર ધાતુઓમાંની એક માનવામાં આવે છે. તાંબાના વાસણ વડે શિવલિંગને જળ ચઢાવવાનો પણ નિયમ છે. આ ઉપરાંત સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ઘરે પૂજા કરવામાં આવે ત્યારે તાંબાનું વાસણ (કળશ) પણ સ્થાપિત કરવામાં આવે છે.
તાંબા વિશે એક ખાસ વાત એ છે કે, આ ધાતુ જેટલી ઝડપથી અશુદ્ધ થાય છે તેટલી જ ઝડપથી શુદ્ધ થઈ જાય છે. તેની શુદ્ધતા જાળવવા માટે તાંબાના વાસણ પર નાળાછડી બાંધવામાં આવે છે.
નવગ્રહોનું આશ્રયસ્થાન છે નાળાછડી
પૌરાણિક દસ્તાવેજો અનુસાર તાંબાના વાસણ પર નાળાછડી બાંધવાથી નવ ગ્રહો તે કળશમાં સ્થાપિત રહે છે. તેમાં બધા ગ્રહોની શુભતા સમાયેલી રહે છે અને સકારાત્મકતા ફેલાય છે. આસપાસની કોઈપણ નકારાત્મક ઉર્જા અને પૂજા અને ગ્રહો સંબંધિત કોઈપણ વિઘ્નો ઝડપથી દૂર થઈ જાય છે.
દોરો બાંધવાથી પૂજામાં શક્તિ મળે
તાંબાના વાસણ પર દોરો બાંધવાનું એક ખાસ કારણ એ છે કે તે પૂજામાં શક્તિ આપે છે. પૂજા દરમિયાન કોઈ ભૂલ થાય તો પણ વ્યક્તિને કોઈ પણ રીતે દોષ લાગતો નથી.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.