રાજકોટ મનપાની એક રોડ બનાવવામાં લાલિયાવાડી સામે આવી છે. શહેરના જૂના મોરબી રોડ પર રસ્તાનું કામ કર્યા બાદ ડામર નીકળવા લાગતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને ઠેર ઠેર રસ્તાઓ ખખડધજ બન્યા છે, ત્યારે મોડે મોડે જાગેલી રાજકોટ મનપાએ ભરચોમાસે રોડનું કામ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જૂના મોરબી રોડ પર રસ્તાનું કામ કર્યા બાદ ડામર રોડ પરથી ઊખડી જતાં વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે. રસ્તા ઉપરથી કપચી નીકળવા માંડી છે. આ રસ્તા પર રાજકોટના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ લોકો માત્ર અડધો રોડ જ વાપરવા મજબૂર બન્યા છે. કેટલીક જગ્યા ઉપરથી ડામર પણ ઉપસી ગયો છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.