
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટીનું કાર્યકર્તા સંમેલન કર્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ પર ચાબખા માર્યા હતા અને તેમની પાર્ટીના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડીયાને ઘોષિત કરી ત્રિપાંખિયા જંગને બદલે ચાર પાંખિયો જંગ થવાનું એલાન કર્યું છે.
શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલનમાં ત્રણેય પાર્ટીને વખોડી
શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે, ભાજપ ભય, ભૂંડી અને ભ્રષ્ટાચારી પાર્ટી છે. વિસાવદર ચૂંટણી જીતાય કે નહીં એનાથી એને કોઈ ફરક નથી પડતો. ત્રીસ વરસ એક જ પાર્ટીને સત્તા છતાં પ્રજાની સમસ્યા અને પ્રશ્નો ખૂટતાં જ નથી. કોંગ્રેસ ચૂંટણી જીતે તો પણ એનું બળ વધશે નહી, આમ આદમી પાર્ટીને તો હું પાર્ટી ગણતો જ નથી. નઘરોળ સરકાર છે, બહેન દીકરીઓ પર ત્રાસ અને અત્યાચાર વધતો જાય છે. બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે.
બદમાશ અને ગુંડાતત્વો પર બાપુ વરસ્યા
બદમાશ લોકો હેરાન કરે તો આ બાપુ બેઠા છે. ચોર લોકોની હેસિયત નથી ડરાવવાની. કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ શંકરસિંહ પોતાની પાર્ટીના વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે જાંબુડીના સરપંચ અને વિસાવદર તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ લાલજીભાઈ કોટડીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લાલજી કોટડીયાએ દાવો કર્યો છે કે, મેં ખેડૂતોના અને લોકોના પ્રશ્નો માટે અનેક આંદોલન કરી જેલવાસ પણ ભોગવ્યો છે જેથી પ્રજા મને વિજેતા બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.