Home / GSTV શતરંગ / Tushar Dave : Middle Class and last Date Ab Mein Raashan Ki Kataro Mein Nazar Ata Hu

મધ્યમવર્ગ અને આખર તારીખ : અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું...!

મધ્યમવર્ગ અને આખર તારીખ : અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું...!

 - તુષાર દવે

ભારતના મધ્યમવર્ગ માટે આખર તારીખ એ કોઈ આંકડો નહીં, પણ એક મૌસમ છે. જે દર મહિને બેસે છે. અતિ મધ્યમવર્ગ માટે આખર તારીખ એ એક તારીખ નહીં, પણ મહિનાના અંતમાં આવતું એક આખું અઠવાડિયું હોય છે.

જોકે, હવે આખર તારીખનું પહેલા જેવું મહાત્મય નથી રહ્યું. એમ તો આ દેશના મધ્યમવર્ગનું પણ મહાત્મય ક્યાં રહ્યું છે? મધ્યમવર્ગ એ પ્રજાતિ છે જે આખી જિંદગી વૈતરું કરી કરીને તૂટી જાય તો પણ ધનિક થઈ શકતી નથી અને ગરીબ એને 'દેખાવું' નથી હોતું.

ગરીબે પોતાની જાતને ગરીબ તરીકે અને ધનિકે પોતાની જાતને ધનિક તરીકે સ્વીકારી લીધી હોય છે, પણ મધ્યમવર્ગ પોતાને ગરીબ તરીકે સ્વીકારી નથી શકતો અને ધનિક એ બની નથી શકતો. ગરીબી સહન નથી થતી અને અમિર લાઇફસ્ટાઇલ પોસાતી નથી. 

એક્ચ્યુલી, આ જે મધ્યમવર્ગ છે એ જ સાચું ભારત છે. જેની આંખોમાં અગણિત સપનાં આંજ્યાં છે. એ ભોળો છે. એ જ્યારે અમીર દેખાવાનો પ્રયાસ કરે ત્યારે અચૂક ખબર પડી જાય છે કે એ મનનો ગરીબ છે.

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી પર ડિસ્કાઉન્ટ, એમેઝોન-ફ્લિપકાર્ટના સેલ અને પ્રિએપ્રૂવ્ડ લોન્સ - આ બધાએ ભેગા થઈને બાપડા મધ્યમવર્ગની સોડ ક્યારની ય પછેડી કરતા મોટી કરી નાંખી છે. એ સતત હવે પછેડી મોટી કરવા જિંદગીના જંજાનીલો સામે ઝઝૂમતો રહે છે. આ દેશની એ જ કરોડરજ્જુ છે. એ ગરીબની વ્યાખ્યામાં ન આવતો હોવાથી એને ગરીબ કલ્યાણની યોજનાઓમાં નથી ગણવામાં આવતો, નથી એને એના લાભ મળતા. એ ખેડૂત નથી એટલે એના દેણા કોઈ માફ કરતું નથી. બાબાના બાઈકથી માંડી બેબીની એજ્યુકેશન લૉન સુધીના હપ્તા એ આજીવન હપ્તે હપ્તે વેંઢારતો રહે છે. એના ખભે માત્ર આ બધા હપ્તાઓનો જ નહીં, પણ દેશનો પણ ભાર છે. સેલેરાઈઝ્ડ પર્સન હોવાથી એને ઉદ્યોગપતિઓ જેમ ટેક્સચોરી કરવાની તક મળતી નથી. નથી સરકાર એની લૉન્સ વેવ કરી આપતી.

દેશનો આ એવો વર્ગ છે જેની હાય લાગે ત્યારે ભલભલી સરકારો ગબડી પડે છે. એને જે 'અચ્છે દિન'નું સપનું પણ બતાવે એને તે પાપણે બેસાડી સત્તાના સિંહાસન સુધી લઈ જાય છે. એ માત્ર ભોળો જ નથી, ભૂલકણો પણ છે. એ ભૂલી જાય છે કે આ દેશમાં દાયકાઓથી સરકારો એને કોઈ જાદુના ખેલની જેમ 'ગરીબી હટાવો' અને 'અચ્છે દિન'ના સપનાં બતાવી રહી છે.

ખલીલસાહેબે એક અદભુત ગઝલ લખેલી -

અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું,
અપને ખેતો સે બિછડને કી સઝા પાતા હું.

ઈતની મહેંગાઈ કે બાઝાર સે કુછ લાતા હું,
અપને બચ્ચો મેં ઉસે બાંટ કે શરમાતા હું.

અપની નિંદો કા લહુ પોંછને કી કોશિષ મેં,
જાગતે જાગતે થક જાતા હું, સો જાતા હું.

કોઈ ચાદર સમજકે ખીંચ ના લે ફિર સે ‘ખલીલ’,
મૈં કફન ઓઢ કે ફુટપાથ પે સો જાતા હું.

આ દેશના મધ્યમવર્ગનો આમઆદમી ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેયની ભજિયાં-તાવા પાર્ટીમાં ભરપેટ ઝાપટીને રવિવારે આવતા મતદાનની આગળ-પાછળ એક-એક રજાનું સેટિંગ કરી મતદાન સમયે પરિવાર સાથે ફરવા આબુ-અંબાજી ભાગી જાય છે. પછી જે પાર્ટી સત્તા પર આવે તેને પાંચ વર્ષ ગાળો દેતો રહે છે. એટલું જ નહીં, એ પાર્ટીને મત આપનારી પ્રજાને પણ ભાંડતો રહે છે. આ એ જ આમઆદમી છે જેને કોઈ ચીજ-વસ્તુ ખરીદવી હોય તો એનો વીડિયો યુ-ટ્યુબની ટેક ચેનલ પર જુએ છે, વીડિયોમાં બતાવ્યા મુજબની ફેસિલિટીનું ચેકિંગ સેલ્સ ઈન્ડિયામાં જઈને કરી આવે છે અને એનો ઓર્ડર મળતા ડિસ્કાઉન્ટ મુજબ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર નોંધાવે છે.

એને જિંદગીએ થોડો લુચ્ચો પણ બનાવી દીધો હોય છે. અનલિમિટેડ જમવાનુ આપતી હોટલમાં જમવા જાય તો સતત એ વાતની ફિરાકમાં રહે છે કે ડિશના પૈસા કેવી રીતે વસૂલ કરી શકાય? કેટલાક તો એવા હોય છે જે જમવા જતા પહેલા કુટુંબનું કોઈ છોકરું કંઈક આચર-કુચર ઝાપટતું હોય તો એને એક ધોલ મારીને અટકાવે છે કે - 'આમ આચર-કુચર ઝાપટ ઝાપટ કરશો તો ત્યાં જઈને શું ખાશો?' કેટલાક મધ્યમવર્ગીય કુટુંબમાં તો આવા ભોજનના પૈસા વસૂલ કરવા માટે ખાસ 'વસૂલીભાઈઓ' પણ હોય છે. જેઓ અંકરાતિયાની જેમ ઝાપટીને પૈસા વસૂલે છે. આવા કુટુંબને સંતોષ જમવાથી નથી મળતો, પણ જમવાના પૈસા વસૂલ થાય ત્યારે મળે છે. જો જરા સરખી પણ આશંકા હોય કે જમવાના પૈસા બરાબર નથી વસૂલ થયા તો કુટુંબનો દરેક સભ્ય જમ્યા બાદ કાઉન્ટર પરથી દોથો દોથો મુખવાસ ઉઠાવે છે. જેમના દાંત વચ્ચે વાસણા બેરેજના દરવાજા જેટલી જગ્યા હોય એવા ડોસાઓ પણ ત્રણ ત્રણ ચાર ચાર ટુથપિક ઉપાડતા જોવા મળે છે!

એની વે, મધ્યમવર્ગના સપનાં કોઈ મહાનગરની મોટી સડક પર ગેરકાયદે સર્જાયેલા લારી-ગલ્લાના દબાણો જેવા હોય છે. એના પર ગમે ત્યારે સરકારી બુલડોઝર ફરી વળે છે. આમ છતાં એ સપનાં જોતો રહે છે. એનાં એ સપનાંઓ પર જ આ દેશ ઊભો છે. ધબકી રહ્યો છે અને ધબકતો રહેશે.

ફ્રી હિટ :

આ દેશના મધ્યમ વર્ગની સૌથી ક્રૂર મજાક મલ્ટીપ્લેક્સની ફૂડ કોર્ટના કાઉન્ટર પર થતી હોય છે. એક દિવસ એવો પણ આવવાનો કે સગી ગર્લફ્રેન્ડને લઈને ફિલ્મ જોવા ગયેલો યુવાન પૉપકોર્નના ભાવ સાંભળીને ભાવ કહેનારાને ભડાકે દઈ નક્સલવાદી બની જવાનો...!!!