
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને "શિક્ષણનો હક અધિનિયમ" (RTE) હેઠળ Broadway International Schoolમાં ધોરણ 1માં પ્રવેશ મળ્યો હતો. RTE મુજબ ખાનગી શાળાઓને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ધોરણ 8 સુધી મફત શિક્ષણ આપવું ફરજિયાત છે. છતાં પણ આ સ્કૂલે હાલ વિદ્યાર્થીના ધોરણ 2માં પ્રવેશ માટે "સોશિયલ એક્ટિવિટી ફી"ના નામે 70 હજાર રૂપિયાની માંગ કરી છે.
શાળાની ફી ભરવા માટે દબાણ
વિદ્યાર્થીના વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા સ્પષ્ટ રીતે કહી દેવાયું કે જો આ ફી ન ભરવી હોય તો બાળકને બીજી શાળામાં દાખલ કરો. સ્કૂલનો આ વલણ RTE અધિનિયમની ખુલ્લી ઉલ્લંઘના છે. ગરીબ પરિવાર માટે 70 હજાર જેવી રકમ ચૂકવવી અશક્ય છે અને એવી પરિસ્થિતિમાં બાળકનું ભવિષ્ય અધૂરું રહી શકે છે. વિદ્યાર્થીના વાલીઓએ આ અંગે તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને લેખિત રજુઆત કરી છે. તેમણે માંગ કરી છે કે શાળા સામે કાર્યવાહી થાય અને બાળકના અધિકારોની રક્ષા થાય. RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓ પાસેથી કોઇ પણ પ્રકારની ફી લેવી ગેરકાયદેસર છે, છતાં એવી માંગણીની પુષ્ટિ થતાં મામલો ગંભીર બને છે.
કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રી સુધી જાણ
સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે આ ઘટનાની જાણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી છે. તેમણે જણાવ્યું કે આ રીતે શાળાઓ દ્વારા ગરીબ પરિવારોનો શોષણ થતું હોવું દુઃખદ છે. શિક્ષણ મંત્રાલયે તાત્કાલિક દખલ આપવી જોઈએ. પૂર્ણિમાબેન દાવલે કોર્પોરેટરે કહ્યું કે, "શિક્ષણના હક્ક હેઠળ પ્રવેશ મેળવેલા બાળકો પાસેથી ફી માંગવી ગંભીર બાબત છે. જરૂર પડે તો હું આ મુદ્દો વિધાનસભા સુધી લઈ જઈશ."વાલી સાધના ગુપ્તાએ કહ્યું કે, "હું એક શ્રમિક મહિલા છું. મારા બાળકનું ભવિષ્ય ઘડાય એ માટે RTE હેઠળ પ્રવેશ મેળવ્યો, હવે શાળા કહે છે કે ફી નહીં આપો તો બહાર જાવ. આ અમારાં માટે અન્યાય છે."