સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાછલા 5 મહિનાથી કમિશનની રકમ ન ચૂકવાતાં દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. 500થી વધુ દુકાનદારોએ કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને રજૂઆત કરી હતી. દુકાનદારોએ ચેતવણી આપી છે કે જો કમિશન નહીં ચૂકવાય તો તેઓ જથ્થાના નાણાં ભરશે નહીં.
સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેર વિતરણ પ્રણાલીનો મહત્વનો ભાગ છે. પરંતુ દુકાનદારોનું કહેવું છે કે કમિશનની રકમ વિના તેમના માટે દુકાન ચલાવવી મુશ્કેલ બની રહી છે. રેલીમાં દુકાનદારોએ સરકાર વિરુદ્ધ નારાબાજી કરી અને કમિશનની તાત્કાલિક ચુકવણીની માંગ કરી.
અનાજના જથ્થાના નાણાં ભરશે નહીં
દુકાનદારોએ એવી પણ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ અનાજના જથ્થાના નાણાં ભરશે નહીં, જેનાથી વિતરણ પ્રણાલી પર અસર પડી શકે છે. પગારદારને 1થી 5 તારીખમાં પગાર મળે છે એમ અમને અમારું કમિશન સમયસર મળી જાય તેવી દુકાનદારોએ માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.