
માર્ચ 2025 ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણી બજારની અપેક્ષાઓ કરતાં સારી રહી છે. આગેવાન કંપનીઓના સારા દેખાવને કારણે કંપનીઓની નફાકારકતામાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં 1,555 કંપનીઓનો કુલ ચોખ્ખો નફો એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 6.6 ટકા વધ્યો છે, જે મોટાભાગના બ્રોકરેજના અંદાજ કરતા વધારે છે.
અભ્યાસમાં સામેલ કંપનીઓએ નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં વૃદ્ધિ નોંધાવી હતી પરંતુ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર કરતા ઓછી હતી. નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર દરમિયાન નમૂનામાં કંપનીઓનો ચોખ્ખો નફો એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 10.8 ટકા વધ્યો હતો.
નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીઓનો એકીકૃત ચોખ્ખો નફો 6.5 ટકા વધ્યો હતો. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં આ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો વધીને 3.6 લાખ કરોડ રૂપિયાના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં આ આંકડો 3.39 લાખ કરોડ રૂપિયા હતો. કોર્પોરેટ આવક વૃદ્ધિમાં ટોચની પાંચ કંપનીઓનો હિસ્સો 73 ટકા હતો.
ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતી એરટેલનો કુલ ચોખ્ખો નફો 185.7 ટકા વધ્યો, જ્યારે ઈન્ડિયન ઓઈલનો નફો 57.8 ટકા અને હિન્દાલ્કોનો નફો 66.3 ટકા વધ્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકિંગ, ફાઈનાન્સ અને વીમા, તેલ અને ગેસ, આઈટી સેવાઓ, ઓટોમોબાઈલ અને ધાતુઓ અને ખાણકામ ક્ષેત્રોમાં કંપનીઓના ચોખ્ખા વેચાણમાં એક અંકમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
કંપનીઓના કુલ ચોખ્ખા વેચાણ અથવા આવક નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં 7.2 ટકા વધી છે, જે નાણાકીય વર્ષ 2024ના સમાન ક્વાર્ટરમાં 8.4 ટકા હતી. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં આ કંપનીઓની કુલ ચોખ્ખી આવક 34.96 લાખ કરોડ રૂપિયા રહી હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 32.61 લાખ કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ ખર્ચમાં પ્રમાણમાં ઓછી વૃદ્ધિને કારણે કંપનીઓને સુધારેલા ઓપરેટિંગ માર્જિનનો ફાયદો થયો છે. સુચિત સમયમાં મિડકેપ શેરોએ સારો દેખાવ કર્યો હતો જ્યારે લાર્જ-કેપ કંપનીઓએ નિરાશા વ્યક્ત કરી હતી.
અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર બાદ ભારતની કંપનીઓની કામગીરી પર અસર જોવા મળવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ટ્રેડ વોરની અસર ખાસ ગંભીર નહીં હોવાનો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.