
જો તમે પણ શ્વાન અથવા ગલૂડિયાના નખ વાગવાની ઇજાને અવગણી સારવાર નથી કરાવતા તો આ કિસ્સો તમારા માટે ચેતવણીરૂપ છે. કારણ કે, મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના સાગથલા ગામે એક 44 વર્ષીય મહિલાને ગલૂડિયાનો નખ વાગ્યા બાદ તેની અવગણના કરવી તેણીને મોતના મુખમાં ધકેલી દીધું છે. નખ વાગ્યાના બે મહિના બાદ મહિલાને હાથમાં અચાનક લકવાની અસર થઈ હતી, જે બાદ તેણીનું હડકવાને લીધે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના સાગથલા ગામે 44 વર્ષીય મહિલાને ગલૂડિયાંનો નખ વાગ્યા બાદ હડકવાથી મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.બે મહિના પહેલા મહિલાને ગલૂડિયાનો નખ વાગ્યો હતો. જે બાદ મહિલાએ આ ઇજાને સામાન્ય ગણીને તેની સારવાર કરાવી નહોતી, પણ અચાનક બે મહિના બાદ જે હાથ પર નખ વાગેલો તે હાથ જકડાઈ ગયો હતો અને તેણીના શરીરમાં લકવાની અસર જોવા મળી હતી. જે બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી તેના રીપોર્ટને તબીબોએ પુણે મોકલી આપતા હડકવા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું.
તબીબોએ પુષ્ટિ કરી હતી કે ગલુડિયાનો નખ વાગ્યા બાદ મહિલાએ રસી લીધી નહોતી. આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે મૃતક મહિલાના પરિવારજનોને હડકવાની રસી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં છેલ્લા 7 વર્ષમાં હડકવાથી કુલ 6ના મોત થયા છે, જ્યારે દર મહિને જિલ્લામાં 2000 લોકોને કૂતરા કરડવાના કેસ નોંધાય છે.