
ગુરુગ્રામના સેક્ટર 57માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ આ ઘટનામાં વધુ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી રાધિકા યાદવ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 12 વાગ્યે સેક્ટર 57ના એક ઘરમાં બની હતી, જ્યાં રાધિકા તેના પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં ઝઘડો થતાં પિતાએ ગુસ્સે ભરાઈને પોતાની પુત્રીને જ ત્રણ ગોળીઓ ધરબી દીધી. આ પુત્રી બીજું કોઈ નહીં પરંતુ સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી રાધિકા યાદવ છે.
ગોળી તેના પિતાએ ચલાવી હતી
રાધિકા ઉભરતી એક ટેનિસ પ્લેયર હતી. જેણે રાજ્ય સ્તરે અનેક મેડલ પોતાના નામે કર્યા હતા. તે એક ટેનિસ એકેડેમી પણ ચલાવતી હતી. જ્યાં તે યુવા ખેલાડીઓને કોચિંગ આપતી હતી. પોલીસે રાધિકાના પરિવારની પૂછપરછ કરી તો શરૂઆતમાં કોઈએ સ્પષ્ટ જાણકારી ન આપી. પરંતુ પછી સામે આવ્યું કે ગોળી તેના પિતાએ ચલાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રિલ્સ બનાવવાને લીધે રાધિકાના પિતાના તેનાથી નારાજ હતા. અને આ બાબતે ઘરમાં ઝઘડો ચાલતો હતો. પિતા ગુસ્સે થતાં પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી હત્યા કરી દીધી છે.
પિતાએ પુત્રી પર ત્રણ ગોળી ચલાવી
ગોળી વાગ્યા બાદ 25 વર્ષીય રાધિકાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા નહીં. રાધિકા યાદવ રાજ્ય લેવલની જાણીતી ટેનિસ ખેલાડી હતી અને ઘણી સ્પર્ધાઓમાં મેડલ જીતીને પરિવાર અને વિસ્તારનું નામ રોશન કર્યું હતું.
પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી
પુત્રી પર ગોળી ચલાવી હત્યા અંગેની માહિતી મળતા જ ગુરુગ્રામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી પિતાની ધરપકડ કરી. પોલીસે તે રિવોલ્વર પણ જપ્ત કરી છે જેનાથી હત્યા કરવામાં આવી હતી. હાલમાં પોલીસ કેસની તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.