Bihar Politics: બિહારના પટણામાં નવમી જુલાઈના રોજ મતદાર યાદીના વિશેષ સુધારા (SIR)ના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યું હતું. I.N.D.I.A. ગઠબંધન દ્વારા કરવામાં આવેલા દેખાવ દરમિયાન એક મોટી ઘટના બની હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ અને અન્ય અગ્રણી નેતાઓ ખુલ્લા ટ્રકમાં સવાર થઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પરંતુ પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારને આ ટ્રકમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.
કન્હૈયા અને પપ્પુ યાદવની સ્થિતિ
કોંગ્રેસ નેતા કનહૈયા કુમાર જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ હતા. તે બિહારમાં કોંગ્રેસના યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેમની નોકરી દો, પલાયન રોકો યાત્રાએ યુવાનો અને બેરોજગારોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. બીજી તરફ પપ્પુ યાદવ કોસી-સીમાંચલ વિસ્તારમાં તેમના સામાજિક આધાર માટે જાણીતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તે પૂર્ણિયાથી અપક્ષ તરીકે જીત્યા હતા. તેમણે આરજેડી ઉમેદવાર બીમા ભારતીને હરાવ્યા હતા. બંને નેતાઓની વધતી સક્રિયતા આરજેડી અને ખાસ કરીને તેજસ્વી યાદવને અસ્વસ્થતા આપી રહી છે. નિષ્ણાતો કહે છે કે તેજસ્વી કન્હૈયા અને પપ્પુની લોકપ્રિયતાથી ખતરો અનુભવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે.
પ્રશાંત કિશોરે આપી પ્રતિક્રિયા
હવે જન સૂરજના પાર્ટીના વડા પ્રશાંત કિશોરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કન્હૈયા કુમારને બિહાર કોંગ્રેસના પ્રભાવશાળી નેતા ગણાવ્યા અને એવો પણ દાવો કર્યો કે મહાગઠબંધનમાં આંતરિક તણાવ છે. તેમણે કહ્યું કે, 'આરજેડી કન્હૈયા જેવા નેતાઓથી ડરે છે કારણ કે તેમના નેતૃત્વને પડકારી શકે છે.'
JDU એ શું કહ્યું?
કન્હૈયા કુમાર અને પપ્પુ યાદવને રેલીના ટ્રક પર ચઢતા અટકાવવાની ઘટના પર જનતા દળ યુનાઇટેડે કટાક્ષ કર્યો છે. JDUના પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે, 'તેજસ્વી યાદવને આ બંને નેતાઓ (કનહૈયા કુમાર અને પપ્પુ યાદવ) પસંદ નથી. જ્યારે રાહુલ ગાંધી તેમને ખૂબ પસંદ કરે છે. છતાં તેજસ્વીએ પોતાના જ રસ્તે ચાલ્યા અને કોંગ્રેસ કંઈ કરી શકી નહીં.