
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી છે એને અત્યાર સુધી સરેરાશ 15.20 ઈંચ સાથે સિઝનનો 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 6 જુલાઈ સુધી સરેરાશ 8 ઈંચ સાથે સિઝનનો 23 ટકા વરસાદ પણ વરસ્યો નહોતો.
ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.
કપરાડા તાલુકામાં સિઝનનો 50.50 ઇંચ વરસાદ
તાલુકા પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યાર સુધી સૌથી વધુ 50.50 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના ડોલવણમાં 44, નવસારીના ખેરગામમાં 43,50 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 3.30 ઈંચ વરસાદ પડયો છે. અત્યાર સુધી 50 તાલુકા એવા છે જ્યાં 20 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ છે. આ વર્ષે જૂન મહિનામાં જ રેકોર્ડ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ રેકોર્ડબ્રેક વરસાદ પડી શકે છે. ગયા વર્ષે જુલાઇમાં 19.72 ઈચ વરસાદ પડ્યો હતો.