ગાંધીનગરમાં ચોમાસાના પ્રથમ વરસાદે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓની પોલ ખોલી નાખી છે. મહાત્મા મંદિર ખાતે ગેટ નંબર 8 આગળનો રોડ ભારે વરસાદને કારણે બેસી ગયો છે. રોડ બેસી જવાને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ગાંધીનગર કોર્પોરેશન પર આક્ષેપ કર્યો કે, તંત્ર દ્વારા ચોમાસા પહેલાંની તૈયારીઓ ફક્ત કાગળ ઉપર જ થઈ છે. એનું જ આ પરિણામ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર રોડ બેસી ગયા છે. વહીવટી તંત્રે રોડના સમારકામ અને પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ નાગરિકો હવે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.