
Rajkot News: રાજકોટમાં કેલેન્ડર કૌભાંડ મામલે મેયર તથા શાસક પક્ષના કોર્પોરેટરનું નિવેદન સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકાએ 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવ્યા હતા. આ કેલેન્ડર ટેન્ડર વગર છાપવામાં આવ્યા હતા. નિયમ મુજબ 10 લાખથી વધુનો ખર્ચ માટે ટેન્ડર બહાર પાડવું પડે છે. સમગ્ર મામલે મેયર નયનાબેન પેઢડીયા તથા શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુકલનું નિવેદન સામે આવ્યું હતું. મેયર નયનાબેન પેઢડીયાએ કેલેન્ડર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.
મેયરે જણાવ્યું હતું કે, ‘કેલેન્ડર કાંડના આંકડાની મને ખબર નથી. હું ખાતરી આપું છું બે દિવસમાં તપાસ કરીને કેલેન્ડરની વિગતો આપીશ.’ 5 મહિના થયા કેલેન્ડરને છતાં હજુ કોઈ સ્પષ્ટતા નહીં. કોના આદેશની કેલેન્ડર છાપવામાં આવ્યા હતા તેને લઈને મેયરે મૌન સાધ્યું હતું.
શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુકલએ જણાવ્યું હતું કે, મેં કેલેન્ડર વિશે નહીં પરંતુ 20 લાખથી વધારેની રકમનું ટેન્ડરિંગ થયું હોય તેની વિગતો માંગી હતી. મારા સવાલોના જવાબો મળ્યા છે પરંતુ વધુ સ્પષ્ટ થાય તેવા જવાબોની માંગણી કરી છે.