
ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું દુષણ ફેલાઈ રહ્યું છે જેને પગલે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરીને ઠેર ઠેરથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદ, પાટણ, વડોદરા તેમજ મુંદ્રા સહિત અનેક સ્થળો પરથી ડ્રગ્સ ઝડપાવાના સમાચાર સામે આવ્યા હતા એવામાં રાજકોટમાંથી કેમિકલયુક્ત ડ્રગ્સ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP ડો. પાર્થરાજસિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેરમાં એક ડ્રગ પેડલર એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. 12.89 લાખની કિંમતના MD ડ્રગના જથ્થા સાથે મુસ્તાક શેખ ઝડપાયો હતો. મુસ્તાક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુસ્તાક શેખએ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું જેની વિરુધ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી વિરુદ્ધ જામનગરના પંચ એ તેમજ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ અંતર્ગત ગુના દાખલ થઈ ચૂક્યા છે.