
રાજકોટ જિલ્લામાં ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે. એક મહિલાને પ્રસુતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની અણઆવડતને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ ફરિયાદ કરી છે. ત્રણ મહિનાથી વધુ સમય થયો છે તેમ છતાં ન્યાય માટે પરિવાર ઝઝુમી રહ્યો છે.
ડોક્ટરોના કારણે સગર્ભાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ
ધોરાજી તાલુકાના પાટણવાવાના રહેવાસી યોગેશ મનસુખભાઈ ઠુમ્મરે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા અરજી આપી હતી, જેમાં ધોરાજીના ઉપલેટા રોડ પર પ્રશાંત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમની સગર્ભા પત્નીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ધોરાજીની ખાનગી વરદાન હોસ્પિટલના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. આક્ષેપ કરનાર યોગેશભાઈના પત્ની હિરલબેન જે સગર્ભા હોઈ તેમને ડિલેવરી કરાવવા માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરની અણ આવડતને કારણે દાખલ કરેલ હિરલબેન તેમજ પેટમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
એનેસ્થેસિયાના ઇન્જેક્શન બાદ પ્રસૂતાની તબિયત લથડી અને શરીર લીલું પડ્યું
ધોરાજીની વરદાન ખાનગી હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ભાલોડિયાના દેખરેખ હેઠળ પ્રસૂતા હિરલબેનને ડિલિવરી વખતે દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં આજથી 3 મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી. ત્યાર બાદ 10 મિનિટમાં મૃતક હિરલબેનનું શરીરનું હલન ચલન તેમજ શરીર લીલું પડવા લાગ્યું અને ત્યારે જ મૃત્યુ પામેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. પરતું ડોક્ટરે જુનાગઢ રિફર કરી આપ્યા જ્યાં રિબર્થ હોસ્પિટલના ડોક્ટર આકાશ પાટોળીયાએ મૃતક પ્રસૂતાને બિન જરૂરી ICU માં રાખી ડોક્ટરની બેદરકારી છુપાવવા પરિવારજનો પાસેથી રૂપિયા લીધા હતા. પરિવાર દ્વારા આ સહિતના અનેક આક્ષેપો આ બંને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સામે કરવામાં આવ્યા છે.
ત્રણ મહિનાથી પોલીસ સ્ટેશનમાં અરજી આપી પણ કોઈ કાર્યવાહી નહીં
મૃતક પ્રસૂતાના ન્યાય માટે છેલ્લા ત્રણ મહિનાથી ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. તેમજ હજુ સુધી FSLની રાહ જોવામાં આવી રહી છે. આખરે ન્યાય માટે પરિવારજનો મીડિયા સામે આવ્યા હતા અને ડોક્ટરો સામે આક્ષેપ કર્યા હતા. આમ ખાનગી વરદાન હોસ્પિટલના ડૉક્ટરની લાલિયાવાડીના કારણે 4 વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારનો માળો વિખાયો છે. હાલ પરિવારજનો ન્યાયની આશ રાખી રહ્યા છે.