
રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પોલીસ તપાસમાં આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. અમિત ખૂંટે 5 મે 2025ના રોજ રીબડા ખાતે આપઘાત કર્યો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર અને 17 વર્ષીય સગીરાની અટકાયત કરવામાં આવી હતી.
અમિત ખૂંટને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું
ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાલ પૂજા રાજગોર તેમજ વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી છે. અમિત ખૂંટને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. અમિત ખૂંટ વિરુદ્ધ 17 વર્ષીય સગીરા દ્વારા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોક્સો વિથ રેપની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. બંને વકીલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
પોલીસ તપાસમાં નિકળ્યું હતું પોલિટિકલ કનેક્શન
આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મિસ્ટર X ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મિસ્ટર X પૂજા રાજગોરના 1 વર્ષથી સંપર્કમાં હતો. મિસ્ટર X દ્વારા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપવામાં આવી હતી. 2 મે પૂર્વે 10 દિવસ અગાઉ 17 વર્ષીય સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ લાઈક કરવામાં આવી હતી. ત્યારબાદ બંને દ્વારા એક બીજાને ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરવામાં આવ્યા હતા.
મિસ્ટર X દ્વારા 17 વર્ષીય સગીરાના ઈન્સ્ટાગ્રામના ID પાસવર્ડ લઈ લેવામાં આવ્યા હતા. મિસ્ટર X પોતે સગીરા બનીને અમિત ખૂંટ સાથે વાતચીત કરતો હતો. મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે. સંજય પંડિત અને દિનેશ પાતરને ગુનાના કામે કોર્ટમાં રિમાન્ડ અર્થે આજે રજૂ કરવામાં આવશે.