
વિસાવદરના મતદારોએ તેમનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો શુક્રવારે (છઠ્ઠી જૂન) સવારે ભેસાણના વાંદરવડ ગામે ચૂંટણીનો પ્રવાસ હતો. તેમાં વાંદરવડ ગામના સ્થાનિકો ઉપરાંત મંડળીનાં કૌભાંડનો ભોગ બનનાર તથા પોતાના સ્વજન ગુમાવનાર લોકો સવાલો પૂછે તેમ હતા. આ સ્થિતિની ઉમેદવાર અને ભાજપના આગેવાનોને જાણ થઈ જતાં પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે રજૂઆતકર્તાઓને અટકાવ્યા હતા. મામલો વધુ ન બિચકે તે માટે ઉમેદવાર કિરીટ પટેલે વાંદરવડ જવાનું ટાળ્યું હતું.
મંડળીનાં કૌભાંડમાં લોકો રજૂઆત કરવા એકઠાં થયા હતા
અનેક સહકારી મંડળીઓમાં કૌભાંડ થયા છે. જેમાં ભેસાણ તાલુકાના વાંદરવડ, ધારી ગુંદાળી, છોડવડી સહિતના અનેક ગામના નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા છે. મૃતક ખેડૂતોના નામે લોન લેવાઈ ગઈ, જેના મંડળીમાં ખાતા નથી તેઓના નામે લોન ઉધારાઈ ગઈ આવી સ્થિતિના કારણે થોડા સમય પહેલા વાંદરવડના એક ખેડૂતે આપઘાત કર્યો હતો. મંડળીના કૌભાંડોમાં ભાજપના આગેવાનો અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ સામે આક્ષેપો થઈ રહ્યા છે.
ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ શુક્રવારે સવારે વાંદરવડથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. આ અંગેની વાંદરવડના લોકોને જાણ થઈ જતા જે વ્યક્તિએ મંડળીના કૌભાંડના લીધે આપઘાત કર્યો છે, તેના પરિવારજનો તથા ભોગ બનનાર અન્ય ખેડૂતો તેની રજુઆત માટે તેની રાહ જોઈ ઊભા હતા. કિરીટ પટેલ આવે તે પહેલાં ભાજપના અન્ય આગેવાનો વાંદરવડ પહોંચ્યા હતા. તેમને સ્થાનિકો 'કિરીટ પટેલ ક્યારે આવે છે, તેને અમારે રજૂઆત કરવી છે, અમારે ન્યાય જોઈએ છે' એમ કહેતા હતા ત્યાં પોલીસના ધાડેધાડાં આવી ગયા હતા. પોલીસે રજુઆતકર્તાઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે.