
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ સાથે હવે ઉત્તર પ્રદેશના 10થી 15 જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના સત્તાવાર ઈ-મેલ પર ધમકીઓ મળી છે. રામ મંદિર ટ્રસ્ટને મળેલા ઈમેલમાં સુરક્ષા વધારી દેજો. નહીં તો રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જણાવી દઈએ કે, સોમવારે રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું- મંદિરની સુરક્ષા વધારો. જે બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે.
મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
અયોધ્યા રામમંદિર માટે મળેલા ધમકીભર્યા મેઇલ બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અયોધ્યાની સાથે, બારાબંકી અને ચંદૌલી સહિત અન્ય ઘણા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ધમકીભર્યા મેઇલ મળ્યા છે. બારાબંકી, ફિરોઝાબાદ અને ચંદૌલીના જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેઇલ મળ્યો છે. મળતી માહિતી મુજબ આ મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે.
કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે
ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછા 10થી 15 જિલ્લાના ડીએમના સત્તાવાર મેઈલ આઈ ડી ઉપર ધમકીભર્યા ઇમેઇલ્સ પ્રાપ્ત થયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા મેઇલમાં કહેવામાં આવ્યું છે કે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. બારાબંકી ડીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ખોટી નીકળી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
અલીગઢના ડીએમને પણ મળ્યો મેઇલ
આ સિવાય અલીગઢ કલેક્ટરેટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડીએમના સત્તાવાર ઈમેલ પર ધમકી આપવામાં આવી છે. ધમકી બાદ પોલીસ પ્રશાસન સાવધ થયું છે. કલેક્ટર કચેરી ખાતે ડોગ સ્ક્વોડ અને અન્ય સાધનોની મદદથી પોલીસ તપાસ કરી રહી છે.
જિલ્લા કલેક્ટર કચેરી અલીગઢ કેમ્પસ ખાલી કરાવાયું
અલીગઢ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરી અલીગઢ કેમ્પસ ખાલી કરાવી દેવાયું છે. સાથે જ બધા દરવાજા બંધ કરી ચાર ટીમોએ સમગ્ર પરિસરની તપાસ કરી રહી છે. ડોગ સ્ક્વોડ સહિત અન્ય ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી અલીગઢ કેમ્પસમાં હાજર તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે.
બોમ્બ ધમકી બાબતે એરિયા ઓફિસર અભય કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અલીગઢના જિલ્લા કલેક્ટર સાહેબના ઓફિસિયલ મેઇલ પર બોમ્બની ધમકી મળી છે. હજુ સુધી કોઈ માંગણી સામે આવી નથી. અત્યારે ઝીણવટપૂર્વક આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ સહિત અન્ય તપાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. તપાસમાં જે કંઈ બહાર આવે તે પ્રમાણે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.