
- હોટલાઈન
- પાકિસ્તાને બ્લુચિસ્તાન પ્રાંતમાં સમુદ્રની સપાટીથી 2000 મીટરની ઊંચાઈએ ચગાઈ પર્વતમાળામાં અણુ શસ્ત્રોનું નવું બંકર ચાલુ કરી લીધું છે
ઈઝરાયેલને કોઈ દેશ તરફથી જો કંઈક ખતરો જણાય તો પોતાની રક્ષા કરવામાં લાગી જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઈઝરાયેલને પાકિસ્તાનથી શું ખતરો છે? આવા ખતરા અંગે પાકિસ્તાનના જ દૈનિકોએ નિર્દેશ કર્યો છે. પાકિસ્તાનના દૈનિક 'ડેઈલી ટાઈમ્સ' દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ઈઝરાયેલ ગમે તે ઘડીએ ઈસ્લામાબાદને નિશાન બનાવી શકે છે. તાજેતરમાં જ મુલ્લા મુનિરે ઇરાનને એવી બાંહેધરી આપી છે કે જરૂર પડતા પાકિસ્તાન ઇરાન વતી ઇઝરાયલ પર અણુ હુમલા કરશે.
પાકિસ્તાનની આવી તૈયારીથી ઈઝરાયેલ ખૂબ જ સતર્ક બન્યું છે. આથી તે પોતાની રક્ષા કાજે હુમલાની તૈયારી કરી રહ્યું છે. ડેઈલી ટાઈમ્સ અનુસાર વાશિંગ્ટનસ્થિત ઈન્સ્ટિટયૂટ ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરિટીઝનું માનવું છે કે તેમને પાકિસ્તાનના પરમાણુ પાર્કની સેટેલાઈટ તસવીર મળી છે. તે શસ્ત્ર આધારિત પ્લુટોનિયમ રીએક્ટરમાં ઉપયોગમાં આવતા ઈંધણને અલગ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સિવાય અમેરિકાના વિજ્ઞાનીઓએ સેટેલાઈટ તસવીરો અને એ સિવાયના દસ્તાવેજોના આધારે શોધી કાઢ્યું છે કે પાકિસ્તાને તેના ૧૮૦ પરમાણુ હથિયારો ક્યાં તૈનાત કર્યા છે. ભારતને નિશાન બનાવીને પાકિસ્તાને પંજાબ અને બલૂચિસ્તાનમાં પણ પરમાણુ હથિયારો છૂપાવી રાખ્યા છે. પાકિસ્તાને તો માત્ર ભારતથી ૧૦૦ કિલોમીટર દૂરની સરહદે જ પરમાણુ હથિયાર છૂપાવી રાખ્યા છે તેમ ભારતને પરમાણુ પોલિસીની સલાહ આપતા અમેરિકાએ કહ્યું હતું.
એક અન્ય અમેરિકન સંસ્થાએ જણાવ્યાં મુજબ વિશ્વમાં અત્યારે નવ દેશો એવા છે જેઓ અણુશસ્ત્રો ધરાવે છે. ઇઝરાયલ અને પાકિસ્તાનનો પણ આમાં સમાવેશ થાય છે. પાકિસ્તાન અને ઈરાનની સરહદ ૯૦૫ કિ.મી. અંતર સુધી જોડાયેલા છે. વાયા બલુચિસ્તાન થઈને ઈરાનમાં પ્રવેશી શકાય છે. બલુચિસ્તાનના ચાઘી જિલ્લામાં આવેલું તફટાન શહેર ઈરાનની સરહદ નજીક છે. અહીં નજીકમાં આવેલી પર્વતમાળામાં પાકિસ્તાને ૧૯૯૮માં ન્યુક્લિયર ટેસ્ટ કરી હતી. તેમ જ નજીકના રેકોદીક અને સૈન્દાક ખીણ વિસ્તારમાં પણ અણુપ્રયોગો કર્યા હતા.
આપણા માંના ઘણા લોકો એ જાણતા નહીં હોય કે, ૧૯૮૫-૮૬માં 'ઓપરેશન બ્રાસ ટેક્સ'ના નામે જનરલ કૃષ્ણા સુંદરાજીએ જે ગુપ્ત યોજના ઘડી હતી તે સર્વાંગપણે અમલમાં મુકાઈ હોત તો પાકિસ્તાનની ક્યારની બોલતી બંધ થઈ ગઈ હોત. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન ગુમાવ્યા પછી પાકિસ્તાન સિંઘ અને હૈદ્રાબાદ પ્રાંત પણ ખોઈ ચૂક્યું હોત. એ સમયે ભારતના પાયદળ, આર્ટીલરી (તોપદળ) અને આર્મર રેજિમેન્ટ (બખ્તરિયા દળ)ને સંયુક્ત કમાન્ડ હેઠળ કવાયત કરાવવાને બહાને જનરલ સુંદરાજીએ પાકિસ્તાન પર ચઢાઈ કરવાની ગુપ્ત યોજના બનાવી હતી.
સવા લાખનું ભારતીય લશ્કર કવાયત કરવાનું 'નાટક' ચાલુ રાખી અચાનક સિંધ તથા હૈદ્રાબાદ પર ચઢાઈ કરે અને આ પ્રાંતોને પાકિસ્તાનથી વિખુટા પાડી દે તેવી ગણતરી રાખવામાં આવી હતી. જો આમ કરવામાં સફળતા મળે તો ભારતીય લશ્કરની હૂંફ મેળવી પાકિસ્તાની સરકાર સામે બંડ પોકારનારી બલુચી સિંધી તથા પંજાબી પ્રજા અને મુઝાહિરો આપોઆપ અલગ સિંધ રાષ્ટ્રની ઘોષણા કરી દે. તકનો લાભ લઈ ભારતીય લશ્કરની ઓર એક ડિવિઝન કાશ્મીર મોરચે ધાબો બોલાવી પાકિસ્તાનને પાઠ ભણાવે. કારાકોરમ ઘાટ પર કબજો જમાવી ભારતીય સેના પાકિસ્તાનનો ચીન સાથેની લેતીદેતીનો માર્ગ પણ કાપી નાખે. જનરલ સુંદરાજીએ આ કાશ્મીરવાળી હિલચાલને 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' નામ આપ્યું હતું. પરંતુ ત્રિશુળ તેનો તાપ બતાવે તે પૂર્વે વડાપ્રધાન રાજીવ ગાંધીએ જનરલ સુંદરાજીને છેલ્લી ઘડીએ તેમના બેઉ ઓપરેશન તત્કાળ અટકાવી દેવા હુકમ કર્યો.
શું ભારતે ભૂતકાળમાં કદી પાકિસ્તાનના અણુમકો ઉડાવી મૂકવાની યોજના વિચારી હતી ખરી? હા, સીધીસીધા આક્રમણની યોજના નહોતી પરંતુ ઈઝરાયલની મદદથી એક સિક્રેટ મિશન પાર પાડી કાહુટા અણુ મથકને ફૂંકી મારવાની વાત સૌપ્રથમ ૧૯૭૭-૭૮માં જનતા સરકારના શાસનકાળ દરમિયાન વિચારવામાં આવી હતી. અહીં નોંધવા જેવી વાત એ છે કે એ વખતે.... મોરારજીભાઈની સરકારમાં વિદેશ પ્રધાનનું પદ શોભાવતા અટલબિહારી વાજપેયીએ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન મૉશે દાયાને ગુપ્ત મુલાકાત લીધી હતી. દાયાને એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં અણુબોમ્બ બનાવીને પાકિસ્તાન ભારતની શાંતિ ડહોળે, સત્તાવાળાની ઊંઘ હરામ કરે
તે પૂર્વે ભારતે પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફેરવવું હોય તો ઈઝરાયલ એ કામમાં તમામ મદદ કરવા તૈયાર છે. આટલી બાહેંધરી પછી પણ ભારત કાહુટા પરના હુમલા માટે સહમત ન થયું ત્યારે ઈઝરાયલે બીજો પ્રસ્તાવ મૂક્યો કે 'તમે અમારા લડાયક વિમાનોને જામનગરના એરપોર્ટ પર ઉતારવા દેવાની પરવાનગી આપો. ત્યાં પ્લેન જરૂરી બળતણ ભરી પાછાં ઊડી જશે. અને કાહુટા પર બોમ્બ ઝીંકીને નાસી જશે.' ભારતે ઈઝરાયલની આ બીજી અને વ્યવહારુ ઓફર પણ ન સ્વીકારી. કદાચ મોરારજીભાઈ ગાંધીવાદી વિચારસરણીને અનુસરી શાંતિનો જાપ જપવામાં જ ભલાઈ છે એમ સમજતા હતા!
હિન્દુસ્તાન ટાઈમ્સના એ વખતના વોશિંગ્ટન ખાતેના ખબરપત્રી ભરત કર્નાડને આપેલી એક મુલાકાતમાં જનરલ યારિવે એવો રહસ્યસ્ફોટ પણ કર્યો હતો કે કાહુટા મથકનો નાશ કરવા અમે બીજી એક યોજના પણ રજૂ કરી હતી. ઈઝરાયલી કમાન્ડો જમીન માર્ગે કાહુટા અણુ મથક સુધી પહોંચી જઈ આ મથકનો નાસ કરવા ઉપરાંત પાકિસ્તાનના અગત્યના સંરક્ષણ વિજ્ઞાનીઓને વીણી વીણીને મારી નાંખવા તૈયાર થયા છે. પરંતુ ભારત સરકારે આ ઓપરેશનમાં પણ આડકતરી રીતે સહયોગ આપવાની સાફ ના પાડી દીધી.
ઈઝરાયલને વર્ષોથી પાકિસ્તાનના અણુમથકનો નાશ કરવામાં રસ એટલા માટે છે કે કેમ કે પાકિસ્તાનનો અણુબોમ્બ અને ટેક્નોલોજી વહેલી મોડી ઈરાન, ઈરાક સિરિયા કે લિબિયા પાસે પહોંચી જાય તો તે ઈઝરાયલ માટે જોખમી પૂરવાર થાય. જો કે ઈઝરાયલ આપબળે કાહુટા અણુમથકનો નાશ કરે તો તેનાથી ભારતને પણ પુષ્કળ લાભ થવાનો હતો. અમેરિકન ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના તાજા અહેવાલ પ્રમાણે પાકિસ્તાને બ્લુચિસ્તાન પ્રાંતમાં સમુદ્રની સપાટીથી ૨૦૦૦ મીટરની ઊંચાઈએ ચગાઈ પર્વતમાળામાં અણુ શસ્ત્રોનું નવું બંકર ચાલુ કરી લીધું છે. ગોલરા ખાતેનું નવું અણુમથક પણ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. ભારતે હવે આ બે અણુ મથકોનો સફાયો કરવો હોય તો પણ એ કામ ઘણુ મુશ્કેલ છે.
અન્ય કોઈપણ 'ઍર સ્ટ્રાઈક' (હવાઈ હુમલા)ની માફક ભારતીય જેગુઆર અને મિગ-૨૯ વિમાનોની બે સ્કવૉડ્રન વહેલી પરોઢે શ્રીનગરથી કાહુટા તરફ ધસી જાય તો બરાબર બાર મિનિટમાં ઈસ્લામાબાદની ઊત્તરે આવેલા કાહુટા મથક પાસે પહોંચે. એ સમયગાળામાં સરહદ પર ગોઠવેલા અદ્યતન રડારોએ ચાડી ફુંકી દેતાં પાકિસ્તાન પણ હુમલાને ખાળવા પૂરતી તાકાત કામે લગાડે એ સ્વાભાવિક છે. કાહુટાની નજીકમાં આવેલા ફેઝલાબાદના હવાઈ મથકેથી પાકિસ્તાની એફ-૧૬ વિમાનો હુમલો લઈ આવતા ભારતીય જેગુઆર સામે ધસી જતાં આકાશમાં જ ખરાખરીનો જંગ જામે.
દરમિયાનમાં પૂર્વ નિર્ધારિત ફોર્મેશન પ્રમાણે ભારતીય વાયુસેના જેગુઆર વિમાનોએ કાહુટાના અણુમથક પર બોમ્બ ઝીંકવાના મકસદ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે. જ્યારે સામેથી ધસી આવેલા એફ-૧૬ ની ઝીંક ઝીલવાનું કામ ભારતીય મિગ-૨૯ તેમજ સુખોય-૩૦ના પાયલટો સંભાળી લે. રાફેલ પ્લેન અને બ્રહ્મોસ મિસાઈલ પણ આ તુમુલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. આકાશમાં તુમુલ યુદ્ધ જામ્યુ હોય તે જ અરસામાં લાગ લઈને જેગુઆર વિમાન એક પછી એક હજાર રતલી બોમ્બ કાહુટા મથક પર ઝીંકવા લાગે. થોડી ક્ષણો પછી મિશન પાર પડયું છે, પાછા ફરોનો આદેશ સ્કવોડ્રન લીડર આપે કે તરત આ વિમાનો ત્વરિત ગતિએ પાછા શ્રીનગર કે અમૃતસર હવાઈ મથક તરફ રવાના થાય.
આ યોજનાના ચક્રો કાગળ પર ઘૂંટવા કે ટેબલ-ખુરશી પર બેસી તેની ચર્ચા કરવી જેટલી આસાન છે તેટલો તેનો વાસ્તવિક અમલ સરળ નથી. પાકિસ્તાને કાહુટા અને ગોલરા અણુમથકોની આસપાસ જડબેસલાક કિલ્લેબંધી રચી છે. પરમાણુ શસ્ત્રો સહિતની વ્યૂહાત્મક મિલકતોના રક્ષણ માટે પાકિસ્તાને ૨૫,૦૦૦ સૈનિકો તૈનાત કરવા સહિતના કેટલાક અસરકારક પગલાં લીધા છે. ૧૯૮૧માં ઈઝરાયલે જે સિફતથી સાદ્દામ હુસેનના અણુમથકનો ભુક્કો બોલાવી દીધો હતો તેવા હાલ-હવાલ કાહુટાના ન થાય માટે પાકિસ્તાને અમેરિકન વેસ્ટિંગ હાઉસ કંપનીની અદ્યતન રડારની શૃંખલા આ અણુમથક નજીક ગોઠવી છે.
સવાલ એ છે કે ભારતીય હુમલાના પ્રત્યાઘાત રૂપે પાકિસ્તાન વળતાં કેવા પગલાં લે? એવું પણ બને કે કચકચાવીને વેરનો બદલો લેવા પાકિસ્તાન ભારતના એવા જ મહત્ત્વના ભાભા અણુમથક તથા રાણાપ્રતાબ સાગર ખાતેના રાજસ્થાન ઍટોમિક પાવર પ્લાન્ટ પર પણ બોમ્બમારો કરે. બેઉ દેશ વચ્ચે કદાચ લાંબો ચાલનારો વિગ્રહ ફાટી નીકળે અને ઉભય પક્ષે લાખોની સંખ્યામાં જાનહાનિ થાય.
આ ડરને લીધે જ ભારતે અત્યાર સુધી ગજબનો આત્મસંયમ વર્તીને પાકિસ્તાની અણુમથક પર પ્રથમ ઘા કરવાનું ટાળ્યું છે. પરંતુ અચાનક એવી કોઈ આવશ્યક્તા આવી પડે તો ભારતીય સેના અને ખાસ તો હવાઈ દળના ચુનંદા પાયલટો આ કામ ખૂબ જ કાર્યદક્ષતાથી પાર પાડી શકે એટલું જ નહીં, પાકિસ્તાન ભારતના અણુમથકો પર ત્રાટકે તોય ભારતીય નાગરિકો પર કિરણોત્સર્ગની ઝાઝી અસર ન થાય તેવા પગલાં આપણા સંરક્ષણ વિજ્ઞાનીઓ લઈ શકે છે. એક વાત નિશ્ચિત છે કે ભારત પાકિસ્તાનની અણુતાકાતને કુંઠીત નહીં કરે તો વહેલા મોડા ઈઝરાયલ આ કામ પૂરું કરશે.
- ભાલચંદ્ર જાની