Home / : The use of the suffix "આમણ" in Gujarati

Ravi Purti : ગુજરાતીમાં આમણ પરપ્રત્યયનો ભાવ પ્રયોગ

Ravi Purti : ગુજરાતીમાં આમણ પરપ્રત્યયનો ભાવ પ્રયોગ

- આજમાં ગઈકાલ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કૃત પ્રત્યય ક્રિયાના મૂળ અંગની પાછળ લગાડાય છે. કૃત પ્રત્યયથી વાક્યમાં નવો શબ્દ કૃદંત બને છે

દરેક ભાષાને શબ્દ રચનાની પોતીકી રીતો હોય છે. ગુજરાતીમા સંધિ,સમાસ,પૂર્વપ્રત્યય અને પરપ્રત્યય દ્વારા શબ્દ રચનાની પ્રક્રિયા થાય છે. હિંદીમાં (ઉપસર્ગ) અંગ્રેજીમાં (Prefix) ગુજરાતીમાં પૂર્વપ્રત્યય લગાડવાથી જે શબ્દમાં પરિવર્તન આવે છે તેનાથી ભાષા સમૃદ્ધ બને છે. દરેક ભાષામાં વ્યુત્પત્તિ જોતાં કેટલાક શબ્દોનો મૂળ હોય છે. ગુજરાતીમાં દા.ત., બન. તેના ઉપરથી બનવું,અણબનાવ,બનાવટ બનેલું,બનતું જેવા ઘણા શબ્દો મળે છે. 'બનાવ' શબ્દ યોગિક છે તેમાં બન આવ છે જ્યારે 'બન' મૂળ શબ્દ છે. 'બનાવ' 'યોગિક છે. આવટ' પ્રત્યય (બન)ને લાગી બનાવટ શબ્દ બને છે. નૂતન શબ્દ રચનાને પણ પોતાનો અર્થ છે. 

ગુજરાતીમાં પણ અ, અન,અધિ,અનુ,અતિ,સુ,અભિ,અપ જેવા સંસ્કૃત ઉપસર્ગો પૂર્વપ્રત્યયો વપરાય છે. તેવી રીતે કેટલાક પર પ્રત્યો પણ લાગે છે. 'પંક'મા 'જ' પ્રત્યય લાગતાં 'પંકજ' થાય છે. પ્રત્યયો બે પ્રકારના છે. કૃત પ્રત્યય (Primary suffix) અને તદ્ધિત પ્રત્યય (Nominal suffix) 'લખ' ઉપરથી લખાણ,લખાવટ,લેખન,લખાઈ જે શબ્દો બને તે પરપ્રત્યક્ષ કહેવાય છે. કૃત પ્રત્યય ક્રિયાના મૂળ અંગની પાછળ લગાડાય છે. કૃત પ્રત્યયથી વાક્યમાં નવો શબ્દ કૃદંત બને છે. આજે 'આમણ' પરપ્રત્યયની કામગીરી તપાસીએ. આખ્યાત અથવા ક્રિયાના ધાતુ રૂપને લાગતા પરપ્રત્યયો પાંચ પ્રકારના છે. કર્તૃવાચક,કર્મવાચક ભાવવાચક, ક્રિયાવાચક અને કરણવાચક... 'આમણ' પરપ્રત્યય મહ્દઅંશે ક્રિયાવાચક કૃત પ્રત્યય છે. તે જોઇએ.

'આમણ' કૃત પરપ્રત્યયથી બનેલા ગુજરાતી શબ્દોમાં જુઓ અથડામણ,અટામણ,અકળામણ, અખરામણ,ઉતરામણ,ચઢામણ,પડામણ,નીરામણ,કૂથામણ,ગૂંથામણ,ગભરામણ,ખેંચામણ, ચળામણ,ચલામણ,ચૂંથામણ,ઘડામણ,ભલામણ,દળામણ,અભડામણ,શિખામણ,કતરામણ, જેંધામણ,સિરામણ,વળામણ,ખોદામણ,છોલામણ,ચિતરામણ,દવરામણ,વીણામણ,મહેરામણ, ટીચામણ,સંકડામણ,ગોંધામણ,ઝીલામણ,ઉનામણ,મથામણ,ગોંધામણ,સેરામણ અને છપામણ જેવા અનેક શબ્દો મળે છે.

સામાન્ય રીતે 'આમણ' પ્રત્યય લાગતાં જે શબ્દ બને છે ક્રિયાવાચી શબ્દ જ બને છે. તે શબ્દ જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તેનો મોભો પામી શકાય છે. 'અમે ઘંટીવાળાને દળામણ આપ્યું'. 
શું આપ્યું? તો દળામણ, એ ક્રિયાની વિશેષતા બતાવે છે. 'ભલામણ' અને 'ભરામણ' બંને શબ્દો જોઇએ. 'ગાડામાં સામાન ભરાવ્યો પછી બીજે ગામ લઇ ગયા.' ગાડાવાળો જે ભાડુ માંગે તે 'ભરામણ', જ્યારે ભલામણમાં તો અમૂર્ત ક્રિયા છે. એટલે કે કોઇના ભલા માટે કોઇને કરેલી, કહેલી સહાય અંગેની વાત એ 'ભલામણ' છે. 

'નિંદામણ' શબ્દમાં 'ઘાસ' દૂર કરવાની જે વાત છે ત્યાં મૂર્ત ક્રિયા છે. 'મથામણ' અમૂર્ત ક્રિયા છે. 'પહેરામણ' કશુંક પહેરાવવું છે. આપવું છે તે મૂર્ત ક્રિયા છે. 'ખેંચામણ'માં ખેંચવાની મજૂરીનો અર્થ મૂર્ત છે, પણ 'ડરામણ' અમૂર્તક્રિયા છે. નીરામણ મૂર્ત છે, ગૂંગળામણ અમૂર્ત ક્રિયા છે. 'અમિણ' પર પ્રત્યય લાગતાં જે અર્થો બને છે તે જોઇએ.

'અખળામણ'માં દૂધનું દહીં બનાવવા માટે જે મેળવણના ટીપાંનો ઉપયોગ કરીએ તે અખળામણ. માથે બેડુ ચઢાવવામાં કોઇની સહાય લઇએ ત્યારે એ ચઢાવનાર જે ક્રિયા કરે છે 'ચઢામણ'. એવી જ રીતે માથા ઉપરથી બેડુ ઉતારે તે ક્રિયા ઉતરામણ... બેડું જ નહિ. ટ્રેકટરમાંથી ગાડામાંથી કે ટ્રકમાંથી માલ-સામાન ઉતારવો, મેડી ઉપરથી સામાન ઉતારવો તે બધાનું 'ઉતરામણ' આપવું પડતું હોય છે. શિખામણમાં અમૂર્ત ક્રિયા છે. એમાં બોધ આપવાની વાત છે. ફસામણ, જકડામણ, મથામણ જેવા શબ્દોમાં મનમાં ચાલતી, અમૂર્તક્રિયા છે. આમ 'આમણ' પરપ્રત્યય દ્વારા કેવા ભિન્ન ભિન્ન અર્થો ઉદ્ભવે છે તે આપણે જોયું. ઝીલામણ - સાસુ પછી જમાઈના પડયા બોલ ઝીલનારી સાળી (સંજ્ઞા)

શિરામણ - સવારનો નાસ્તો (મૂર્ત ક્રિયા)

ગભરામણ - ભીતર થતી બીક (ગભરામણ) - અમૂર્ત

ગોટામણ - કોઇની નિંદા કરવાની પ્રવૃત્તિ (અમૂર્ત)

અથડામણ - કામ સફળ થવાને બદલે જુદી જગ્યાએ અથડાવું પડે તે

સંકડામણ - સંકડાશ અનુભવાય તે (અમૂર્ત)

ઉનામણે - પાણી ગરમ કરવાની ઓરડી (મૂર્ત) 'આમણ' પર પ્રત્યયથી ક્રિયા વાચક શબ્દો પણ બને છે. અમૂર્ત હોય અથવા કેટલીક પ્રત્યક્ષ સ્થૂળ અનુભવ થાય અને કેટલોક અનુભવ મનોમન થાય છે. સંક્ષેપમાં 'આમણ' પ્રત્યયયી ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ જ નહિ, અર્થનું આકાશ પણ ભવ્ય વ્યાપકતાનો પરિચય કરાવે છે !

- ભગીરથ બ્રહ્મભટ્ટ

Related News

Icon