
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ IPL 2025માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. જેમાંથી 3 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુમાં રમાયેલી બે મેચમાં RCBને હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ગુજરાત ટાઈટન્સ (GT) એ હરાવ્યું અને પછી ગઈકાલે દિલ્હી કેપિટલ્સ (DC) એ તેને 6 વિકેટથી હરાવ્યું. RCBની હાર બાદ, દિનેશ કાર્તિક (Dinesh Karthik) એ પિચ અંગે પ્રતિક્રિયા આપી છે. એક અહેવાલ મુજબ, કાર્તિકે કહ્યું કે તે પિચ ક્યુરેટર સાથે વાત કરશે.
કાર્તિકે પિચના મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. અહેવાલ મુજબ, કાર્તિકે કહ્યું, "અમે પહેલી બે મેચમાં સારી પિચ મેળવવાની આશા રાખી રહ્યા હતા. પરંતુ અહીં બેટિંગ કરવી પડકારજનક હતી. અમને ગમે તેવી પરિસ્થિતિ મળે, અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે તેમની (ક્યુરેટર) સાથે વાત કરીશું. અમને વિશ્વાસ છે કે તેઓ પોતાનું કામ કરશે. અત્યાર સુધી અમારી પાસે એવી પિચ છે જેના પર બેટ્સમેનોને કોઈ મદદ નથી મળી."
પોઈન્ટ્સ ટેબલમાં RCBની જગ્યા
RCB હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 5 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. RCBને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા હતા. જયારે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
RCB માટે કોહલી-પાટીદારે સારું પ્રદર્શન કર્યું
RCB માટે વિરાટ કોહલી અને રજત પાટીદારે સારું પ્રદર્શન કર્યું છે. પાટીદારે 5 મેચમાં 186 રન બનાવ્યા છે. કોહલીએ પણ 5 મેચમાં 186 રન બનાવ્યા છે. RCB માટે જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરી છે. તેણે 5 મેચમાં 8 વિકેટ લીધી છે. કૃણાલ પંડ્યાએ 7 વિકેટ લીધી છે.