Home / Religion : Birth anniversary of mata Khodiyar

માતા ખોડિયારની જન્મ જયંતિ, જાણો માતાજીની પ્રાગટ્યકથા  

માતા ખોડિયારની જન્મ જયંતિ, જાણો માતાજીની પ્રાગટ્યકથા  

આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ છે. ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિક્રમ સંવત 836ની મહા સુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. ત્યારે આ જન્મ જયંતિ નિમિત્તે માતાજીની પ્રાગટ્યકથા વિશે તમને જણાવશું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખોડિયાર માની પ્રાગટ્યકથા 

ખોડિયાર માની પ્રાગટ્યકથા 9થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તે ભગવાન શિવનો પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં. 

તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું, તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામના રાજા રાજ કરતા હતા. જેમને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા. જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કાંઈક ખૂટતું હોય તેમ લાગતું. 

દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ કમી નથી. આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયા ચારણની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયા ચારણ નિ:સંતાન છે. તેમનું મોં જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા.

મામડિયા ચારણના વાંઝિયામહેણા ભાગ્યા

એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ કહ્યું કે, `હવે આપણી મિત્રતા પૂરી થાય છે.' એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામડિયા ચારણને ખૂબ જ દુ:ખ થયું. લોકો પણ તેમને વાંઝિયામહેણાં મારવા લાગ્યા. મામડિયા દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે. 

મામડિયા ચારણને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.

મામડિયા ચારણના ઘરે આઈ ખોડિયાર અવતર્યા

મામડિયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.

ખોડિયાર નામ કેવી રીતે પડ્યું?

એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો. તેનો જીવ જોખમમાં હતો. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાનાં એવાં જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયાં. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ, તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતાં ખોડાતાં ચાલવા લાગ્યાં. તેમને જોઈને બધા કહેવા લાગ્યાં કે ખોડિ આવી,ખોડિ આવી. ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં.

Related News

Icon