Home / Religion : 'Tell Partha, let him shoot arrows, now war is the only welfare'

Dharmlok: 'પાર્થને કહો, ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'

Dharmlok:  'પાર્થને કહો, ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'

- વિચાર-વીથિકા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાંડવોની માતા કુંતિ મહાભારતનું એક મહત્વપૂર્ણ પાત્ર છે. તે ભગવાન શ્રીકૃષ્ણના પિતા વસુદેવના મોટા બેન હતા. જન્મ સમયે તેમનું નામ પૃથા હતું. રાજા સૂરસેનના ઘેર જન્મેલ પૃથાને તેના નિ:સંતાન કાકા કુન્તીભોજે ગોદ લીધી હતી અને તેનું લાલનપાલન કર્યુ હતું એટલે તેનું નામ કુંતિ કે કુંતા પડયું હતું. તે બાળપણથી સદ્ગુણી, સુશીલ, સંયમી અને સદાચારી હતા. રાજા કુંતિભોજને ઘેર તપસ્વી દુર્વાસા મુનિ આવ્યા ત્યારે કુંતિએ એમની એક વર્ષ સુધી સેવા-સુશ્રૂષા કરી હતી તેનાથી પ્રસન્ન થઈ તેમણે અથર્વવેદના અગ્રભાગમાં આવતા દિવ્ય મંત્રોનું રહસ્ય સમજાવી એ મંત્રોને સિદ્ધ કરી આપ્યા હતા અને કહ્યું હતું - 'આ મંત્રોના બળથી તું જે દેવોનું આહ્વાન કરીશ, તે તારે અધીન બની જશે અને તું માંગીશ તે વરદાન આપશે.'

કિશોરાવસ્થા દરમિયાન કુંતિએ જિજ્ઞાાસાવશ સૂર્યદેવનું આહ્વાન કરવા એ મંત્રોનો ઉપયોગ કર્યો અને તેમને સૂર્યદેવ થતી કર્ણ નામનો પુત્ર જન્મ્યો હતો. તે લગ્ન પૂર્વે ઉત્પન્ન થયો હતો એટલે લોકલાજથી, પોતાને અપમાનથી બચાવવા તેને લાકડીની પેટીમાં મૂકી નદીમાં તરતો મૂકી ત્યજી દીધો હતો. વયસ્થ થયા બાદ તેમણે કુરુના રાજા પાંડુને પોતાના પતિ રૂપે પસંદ કર્યા. પાંડુને પ્રાપ્ત ન થતાં મદ્ર દેશના રાજા શલ્યની બહેન માદ્રી સાથે લગ્ન કર્યા હતા. તેમના થકી પણ સંતતિ પ્રાપ્ત ન થઈ. એકવાર મહારાજ પાંડુ એમની બન્ને પત્નીઓ કુંતી અને માદ્રી સાથે વન વિહાર કરી રહ્યા હતા એ દરમિયાન એક દિવસ તેમણે મૃગનો ભ્રમ થવાથી બાણ ચલાવી દીધું જે કિન્દમ મુનિને વાગી ગયું. એ સમયે મુનિ એમની પત્ની સાથે શારીરિક સમાગમ કરી રહ્યા હતા. આ અવસ્થામાં બાણ વાગવાથી તેમનું મૃત્યુ થઈ રહ્યું હતું એટલે તેમણે પાંડુને શાપ આપ્યો કે જે અવસ્થામાં તેમણે તેમનું મૃત્યુ નિપજાવ્યું છે તે રીતે જ્યારે પણ પાંડુ એમની પત્ની સાથે શારીરિક સમાગમ કરશે ત્યારે તેમનું મૃત્યુ થઈ જશે. જ્યારે તેમણે કુંતીને આ વાત જણાવી ત્યારે કુંતીએ કહ્યું કે દુર્વાસા મુનિએ મને વરદાનરૂપે મંત્રો સિદ્ધ કરી આપ્યા છે અને તે કોઈપણ દેવનું આહ્વાન કરીને તેના થકી સંતાન પ્રાપ્ત કરી શકે છે. તે વખતે પાંડુના કહેવાથી એક એક કરીને ત્રણ દેવોનું આહ્વાન કરી ત્રણ પુત્રો પ્રાપ્ત કર્યા હતા. યમ દેવ એટલ કે ધર્મ રાજાથી યુધિષ્ઠિર, વાયુ દેવથી ભીમ અને ઇન્દ્ર દેવથી અર્જુન ઉત્પન્ન થયા હતા. તે રીતે કુંતીએ તે મંત્રો માદ્રીને પણ આપ્યા હતા. માદ્રીએ અશ્વિનીકુમારોનુ આહ્વાન કરીને નકુલ અને સહદેવને ઉત્પન્ન કર્યા હતા. વર્ષાઋતુ દરમિયાન એકવાર પાંડુ માદ્રી સાથે વનવિહાર કરી રહ્યા હતા ત્યારે સંયોગવશાત્ કામાવેશથી પાંડુ માદ્રી સાથે શારીરિક સમાગમ કરવા લાગ્યા ત્યારે ઋષિના શાપ મુજબ મરણ પામ્યા હતા. માદ્રીએ કુંતિને સતિ થતા અટકાવી પોતાના બન્ને પુત્રોનું લાલન-પાલન કરવાની જવાબદારી સોંપી પોતે જ પતિની સાથે સતિ બન્યા હતા.

પાંડવોના વનવાસ અને અજ્ઞાાતવાસ વખતે તે એમનાથી દૂર હસ્તિનાપુરમાં જ રહ્યા હતા અને ત્યાંથી જ પોતાના પુત્રો માટે પોતાના ભત્રિજા એવા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્ષત્રિય ધર્મ પર અડગ રહેવાનો સંદેશો મોકલ્યો હતો. તેમણે વિદુલા અને સંજયનું દ્રષ્ટાંત આપીને અત્યંત માર્મિક શબ્દોમાં કહેણ મોકલ્યું હતું - 'અથેહં ધનંજયો વાચ્યો નિત્યોદ્યુક્તો વૃકોદર:। યદર્થ ક્ષત્રિય સૂતે તસ્ય કાલો।યમાગત: ।। આ અર્જુન અને નિરંતર પ્રવૃત્ત ભીમસેનને કહેજો કે જે કાર્ય માટે ક્ષત્રિયાણી પુત્ર ઉત્પન્ન કરે છે એ કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે. એ સમયે તમે મારું દૂધ ન લજવશો.'

આવા જ ભાવથી આપણી ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ ન્હાનાલાલે એમના કાવ્યમાં કુંતિના મુખેથી આદેશ અપાવ્યો - 'પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ. ભીખ્યાં ભટક્યાં, વિષ્ટિ, વિનવણી, કીધાં સુજનના કર્મ, આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ. સજીવન થાય પડયાયે મ્હાણ, પાર્થને કહો ચડાવે બાણ, દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલ, રણનોતરાંના ઉત્તર દેજો, રણધીરને રણઢોલ, પાર્થની પ્રત્યંચાને વાણ, પાર્થને કહો ચડાવે બાણ. કુંતીએ ભીમસેનને કહ્યુ હતું - 'તમે લોકો કાયર બનીને હાથ પર હાથ મૂકીને બેસી ન રહો, ક્ષત્રિયોને યોગ્ય પુરુષાર્થ છોડીને અપમાન ભરેલું જીવન વ્યતીત ન કરો, શક્તિમાન હોવા છતાં પોતાના ન્યાયોચિત અધિકારથી સદાય માટે હાથ ન ધોઈ બેસો એટલા માટે મેં તમને યુદ્ધ કરવા પ્રવૃત્ત કર્યા હતા.' પછી કુંદીએ એમના જેઠ-જેઠાણી સાથે વનગમન કરી પ્રભુ ભક્તિ, આરાધના અને તપ કરી જીવનના છેલ્લા દિવસો વ્યતીત કર્યા હતા.

- દેવેશ મહેતા

Related News

Icon