Home / Business : India's current infrastructure for AI technology is inadequate and not world-class

Business Plus: AI ટેકનોલોજી માટે ભારતના વર્તમાન માળખા અપૂરતા અને વૈશ્વિકસ્તરના નથી

Business Plus: AI ટેકનોલોજી માટે ભારતના વર્તમાન માળખા અપૂરતા અને વૈશ્વિકસ્તરના નથી

- AI  કોર્નર

- ડેટા સેન્ટર, ચીપ્સ તથા વ્યાપક વીજ પૂરવઠો નવી ટેકનોલોજીની મુખ્ય જરૂરિયાતો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક આગેવાન બનવા તરફ ભારત પ્રયત્નશીલ છે ત્યારે તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં  AI માટે આવશ્યક માળખાકીય સુવિધાનો અભાવ ભારતને આ મહત્વકાંક્ષા સિદ્ધ કરવામાં અવરોધરૂપ બની શકે એમ હોવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે  AIના વિકાસ માટે ભારતને ડેટા સેન્ટર માટે અંદાજે પાંચ કરોડ ચોરસ ફૂટ જગ્યા અને ૨૦૩૦ સુધીમાં જંગી માત્રામાં વધારાની વીજળીની આવશ્યકતા રહેશે. વૈશ્વિક ડેટાના ૨૦ ટકા ડેટા જનરેટ કરતું હોવા છતાં વૈશ્ચિક ડેટા સેન્ટર ક્ષમતાના માત્ર ૩ ટકા જ ક્ષમતા ભારત ધરાવે છે.વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ડેટા સેન્ટરના વિકાસ માટે જમીન તથા શ્રમિકોની બાબતમાં ભારત ખર્ચની દ્રષ્ટિએ સાનુકૂળતા ધરાવતું હોવા છતાં મોટા સ્તરના ડેટા સેન્ટર્સ માટે જમીન સંપાદનની ગતિ ધીમી અને જટિલ રહી છે.  જનરેટિવ  AI (જનએઆઈ) મોડેલ્સ વ્યાપક કોમ્પ્યુટિંગ પાવર અને સ્ટોરેજ માંગીલે છે  ત્યારે  AI ટેકનોલોજી માટે ભારતના વર્તમાન માળખા અપૂરતા અને વૈશ્વિકસ્તરના નથી. 

આગામી પાંચ વર્ષમાં દેશની ડેટા સેન્ટર ક્ષમતામાં ૪૪ ટકા ચક્રવૃદ્ધિનો સદર રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે, પરંતુ  AI ડેટા સેન્ટર જંગી માત્રામાં વીજ પૂરવઠો માગી લે છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સની તાલીમમાં પ્રતિ મોડેલ ૫૦૦ મેગાવોટ અવર્સ સુધીની વીજનો વપરાશ થાય છે, જે અમેરિકામાં ૧૫૦ ઘરોના મહિનાની વીજ વપરાશ જેટલો છે. વિશ્વ આજે બિન-પ્રદૂષિત એવી રિન્યુએબલ ઊર્જાના વપરાશ પર ભાર આપી રહ્યું છે ત્યારે ભારત હજુપણ તેની કુલ વીજ માંગમાંથી મોટી માત્રાની માંગ બિન-રિન્યુએબલ ઊર્જા મારફત પૂરી કરે છે. નવી ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન બનવાનો લક્ષ્ય ધરાવતા ભારતે એઆઈ ટેકનોલોજીને કારણે વીજ માગમાં થનારા સૂચિત વધારાને રિન્યુએબલ ઊર્જા મારફત સંતોષવાનું જરૂરી બની રહે છે. આ માટે રિન્યુએબલ પહેલો પર નેશનલ પોલિસી, ગ્રીડ મોર્ડનાઈઝેશન અને કેપ્ટિવ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રિપોર્ટમાં ભાર આપવામાં આવ્યો છે. 

રિન્યુએબલ ઊર્જામાં ભારતની સ્થાપિત ક્ષમતા નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૨૨૦ ગીગા વોટ પહોંચી હતી, જેમાં સોલાર વીજનો હિસ્સો ૪૮ ટકા અને પવન ઊર્જાનો ૨૩  ટકા હતો. જો કે ભારતની વધી રહેલી વીજ માંગને જોતા એકંદર સ્થાપિત ક્ષમતામાં રિન્યુએબલનો ઉમેરો ધીમો જોવા મળી રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. દેશની ભાવિ વીજ માંગને પહોંચી વળવા ભારતે હજુપણ કોલસા આધારિત વીજ પર પોતાની નિર્ભરતા વધારવાનો વારો આવ્યો છે. 

એઆઈમાં વૈશ્વિક આગેવાન બનવાની ભારતની મહત્વાકાંક્ષા સામે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટસ (જીપીયુ)ની અછત પણ મોટો પડકાર બની રહી છે. જીપીયુએ જનએઆઈનું કોમ્પ્યુટેશનલ માળખુ છે. અમેરિકા ખાતેથી જીપીયુની આયાત વધારવા માટે  સરકારી સ્તરે પ્રયત્નો કરવાની આવશ્યકતા હોવાનું રિપોર્ટમાં ભારપૂર્વક જણાવાયું છે. જો કે હાલમાં અમેરિકા દ્વારા છેડાયેલી ટ્રેડ વોર વચ્ચે આ પ્રયત્નો કયારે શરૂ થાય છે તે જોવાનું રહે છે. 

૨૦૨૭ સુધીમાં ભારતનું એઆઈ કાર્યબળ ૧૩.૫૦ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે ત્યારે,  સ્કીલ્ડ વ્યવસાયીકો અને સમર્પિત એવી આર એન્ડ ડી સંસ્થાઓની અછત પ્રત્યે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. એઆઈ લક્ષી તાલીમ કાર્યક્રમો, એકેડેમિક ભાગીદારી અને અન્ય પ્રોત્સાહનો મારફતે આ અછત દૂર કરી શકાય એમ છે.  

ટેકનોલોજીમાં આવી રહેલા ઝડપથી બદલાવ સાથે  આવશ્યક સ્કીલ કેળવી  શકતા નહીં હોવા બાબત અને એઆઈને કારણે કામકાજ પર પડી રહેલી અસર અંગે ભારતના પચાસ ટકાથી વધુ એકાઉન્ટન્ટોએ ચિંતા વ્યકત કરી હતી. તાજેતરમાં હાથ ધરાયેલા એક વૈશ્વિક સર્વેમાં આ ચિંતા વ્યકત કરવામાં આવી હતી. સર્વેમાં ભાગ લેનારા ભારતના એકાઉન્ટન્ટોમાંથી ૫૪ ટકાએ આવશ્યક ભાવિ સ્કીલ કેળવી નહીં શકવા બદલ ચિંતા વ્યકત કરી હતી. વૈશ્વિક સ્તરે આ દર સરેરાશ ૫૦ ટકા છે. 

એઆઈ ક્ષેત્ર માટે આશાવાદી અપેક્ષા સાથે વેન્ચર કેપિટલિસ્ટો એઆઈ સ્ટાર્ટઅપ્સમાં ઈન્વેસ્ટમેન્ટસ કરી રહ્યા છે, જે ભારત ના એઆઈ ક્ષેત્ર માટે એક સાનુકૂળ પાસુ છે. અમેરિકા જેવા દેશોમાં એઆઈ તરફ જંગી નાણાં પ્રવાહ જઈ રહ્યો છે જે ભારતમાં જોવા મળતો નથી. ભારત સરકારે એઆઈના વિકાસ માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે, જેના પરિણામો જોવા મળતા વાર લાગશે. 

આ અગાઉ ભારતે ક્રાયોજેનિક એન્જિન્સ, ન્યુક્લિઅર ટેકનોલોજી વગેરે જેવા મર્યાદિત સ્રોતો પરના પ્રતિબંધને જે રીતે હાથ ધર્યા હતા તેવી જ કૂશળતા એઆઈ ચીપ્સની  અછતને પાર પાડવા અપનાવવી પડશે. ભારતમાં એઆઈ ચીપ્સનો મુખ્ય ઉપયોગ વિવિધ એઆઈ ટુલ્સને વિકસાવવામાં થાય છે. ચીપના ઉપયોગ થકી વિવિધ ક્ષેત્રો જેમ કે આરોગ્યસંભાળ, બેન્કિંગ, ઉત્પાદન વગેરેમાં સંબંધિત ટુલ્સના જટિલ કોમ્પ્યુટેશનને હાથ ધરવા આવશ્યક પ્રોસેસિંગ બળ  મળી રહે છે. ઘરઆંગણે સ્વદેશી ચીપ્સ વિકસાવવા ભારતના સ્ટાર્ટઅપ્સ સક્રિય ભૂમિકા ભજવવા કમર કસી રહ્યા છે ત્યારે તેમની સામે ચીપ્સની આધુનિક ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવાનું તથા ઊંચી ક્ષમતા સાથેની એઆઈ ચીપ્સ પૂરી પાડવા પાછળનો ખર્ચ પડકારરૂપ બની રહ્યા છે જે ભારતને એઆઈનું આગેવાન બનવામાં અડચણરૂપ બની શકે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. 

Related News

Icon