
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામથી કેરી નદી પરનો પસાર થવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં નાના સખપર ગામના લોકો જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જવાનો આ રસ્તો પાણીમાં ગરકાવ થાય છે.
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામથી કેરી નદી પરનો પસાર થવાનો રસ્તો પાણીમાં ગરક થતાં સ્થાનિકો જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણી ભરેલા ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવું પડે છે. ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત નાના સખપર ગામના લોકોને આ ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવું પડે છે. દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જવાનો આ રસ્તો પાણીમાં ગરકાવ થતાં અવરજવર બંધ થાય છે. ઉગામેડી ગામ જવા માટે 10 થી 20 કિમી ફરીને જવાનો વારો આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
ગામના સરપંચ, ઉપસરપંચ અને આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. સખપર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેકડેમ પર માટી નાખી વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ જો ફરીવાર વરસાદ પડે એટલે તે જ સ્થિતિ સર્જાય તેવી ગામ લોકોમા ચિંતા છે. દર ચોમાસા દરમિયાન ઘણા વર્ષથી આ રસ્તો બંધ થવાની સમસ્યાના કારણે ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામનો મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે જેથી આવવા જવાના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી ગામ લોકો અને વિદ્યાર્થીઓની બુલંદ માંગ છે.