
અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને સાફ કરવાના સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પ્રોજેકટમાં ગુરૂવારે (5મી જૂન) Home Guardના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના 700થી વધુ જવાનો પણ લોકભાગીદારી કરી જોડાશે અને સાબરમતીને સાફ કરવામાં તેમની સેવા આપશે. આ દિવસે સાબરમતી નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજની નીચે NIDપાસેના પટ્ટા-વિસ્તારમાં તેમ જ નદીના પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટ વિસ્તારમાં નદીમાંથી મોટા પાયે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવાનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.
સાબરમતી સફાઈ અભિયાન
સાબરમતી રિવરફ્રન્ટ પ્રા.લિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે સાબરમતી નદીને સાફ કરવાનું સ્વચ્છતા મહાઅભિયાન છેલ્લા બે અઠવાડિયાથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જુદા-જુદા તબક્કામાં અને ભાગોમાં નદીની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડે ચાર બ્લોક અને પૂર્વ છેડે પાંચ બ્લોક પાડી જુદા જુદા ઝોન, વિભાગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ સહિતના લોકોના શ્રમદાનની લોકભાગીદારીથી હાલ નદીને સાફ કરવાની કામગીરી ચાલુ છે.
હોમગાર્ડ જવાન હાથ ધરશે સફાઈ
આ સફાઈ અભિયાનમાં અમદાવાદ શહેરના પાંચ હજારથી વધુ હોમગાર્ડ જવાનો અને સિવિલ ડિફેન્સના 700થી વધુ જવાનો સાબરમતી નદીને સાફ કરવામાં પોતાની સ્વૈચ્છિક સેવા આપશે. આ માટે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના તમામ ડિવીઝનના અધિકારીઓ, હોમગાર્ડ જવાનોને ગુરૂવારે વહેલી સવારે 6:15 વાગ્યે પૂર્ણ સંખ્યામાં હાજ રહેવાના આદેશો પણ જારી કરી દેવાયા છે. હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજયના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ અને અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ કે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના મળી કુલ આશરે છ હજાર જેટલા જવાનો અભિયાનમાં જોડાશે.