
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે,આ સાથે ભારે પવન અને માવઠાને લીધે પણ અકસ્માતના બનાવો વધ્યા છે. વડોદરામાં ત્રાટકેલા વાવાઝોડાને લીધે ત્રણ વ્યકિતના મોત નિપજ્યાં હતા. જ્યારે મોડાસામાં ચાર વર્ષીય બાળકીનું ટ્રક નીચે કચડાતા મોત નીપજ્યું હતું અને દાહોદમાં એસટી બસને અકસ્માત નડ્યો હતો,જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ભારે પવનને લીધે વડોદરામાં ત્રણનાં મોત
વડોદરામા માવઠા સાથે ભારે પવન ફૂંકાતા કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. સોમાતળાવ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની કાચની પેનલ ભારે પવનને પગલે તૂટી પડી હતી.આ ઘટનાના cctv પણ સામે આવ્યા છે.
આ પેનલ ગિરીશ નામના વ્યક્તિ પર પડી હતી.જે બાદ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બનાવમાં બે લોકોના મોત નિપજ્યાં છે.
ચાર વર્ષીય બાળકી ટ્રક નીચે કચડાતાં મોતને ભેટી
મોડાસા બાયપાસ પેલેટ ચોકડી પર આ ગોઝારો અકસ્માત થયો હતો.ટ્રક ચાલકે બાઈક સવાર માતાપિતા અને બાળકીને અડફેટે લીધા હતા,જેમાં ચાર વર્ષીય બાળકી ટ્રક નીચે કચડાતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં માતા પિતાને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. મોડાસા રૂરલ પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.
દાહોદમાં એસટી બસ ડિવાઈડરમાં ઘૂસી
વાપી થી દાહોદ આવતી એસટી બસને ગોધરા રોડ ખાતે અકસ્માત નડ્યો હતો.ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.એસટી બસ ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી.જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.