રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને હજુ ન્યાય મળવાના ફાંફાં છે તેવામાં રાજકોટમાં હજુ પણ ફાયર સેફ્ટીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. બે દિવસ અગાઉ પણ શહેરના નવાગામ(આણંદપર) ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સાબુ બનાવતી ફેક્ટરીમાં કારખાનામાં આગ લાગી હતી. જેમાં તપાસ કરતાં ખુલાસો થયો હતો કે ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમી રહી હતી. આ સમગ્ર ઘટનાઓને પગલે GSTV દ્વારા RUDAની ઓફિસમાં ફાયર સાધનોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સાધનો એક્સપાયરી થયેલા જોવા મળ્યા હતા.
RUDAની ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર્ડ
રાજકોટ શહેરમાં વારંવાર લાગતી આગની ઘટનાઓને પગલે GSTV દ્વારા RUDAની ઓફિસમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. શહેરમાં ફાયર સેફ્ટીના મોટા મોટા ડિંગ હાંકતી RUDAની ઓફિસમાં જ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયેલા મળ્યા. ફાયર બોટલ 8 માર્ચ, 2025ના જ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. RUDAની આખી બિલ્ડિંગમાં એક્સપેયરી ડેટવાળા ફાયર સાધનો મળી આવ્યા. રૂડાની ઓફિસમાં જ કાટ ખાઈ ગયેલા ફાયર સાધનો મળી આવતા ફાયર સેફટી પર સવાલો ઊભા થયા હતા. સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી નહિ તે એક મોટો સવાલ બન્યો છે.
તંત્રની બેધારી નીતિ આવી સામે
આ સવાલોના જવાબમાં RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, "ફાયર સાધનો ગત વર્ષે જ રીન્યુ કરાયા હતા. રીન્યુ કરવા માટેની સૂચના ઘણા સમયથી આપી છે. ફાયર સુરક્ષાના સાધનો ફિટિંગ કરવા ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી હતી. ટેન્ડરમાં એક જ એજન્સી આવતા રી-ટેન્ડર કરવામાં આવ્યું છે. અંદાજીત 1 મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે." સામાન્ય લોકોને 7 દિવસની નોટિસ અને સરકારી કચેરીમાં 1 મહીને તો ટેન્ડર થશે. તંત્રની બેધારી નીતિને આ રિયાલિટી ચેકે ઉઘાડી પાડી છે.