
આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 (WTC) ની ફાઈનલ મેચનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસની રમત ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થઈ. આ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયર્સ કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા.
ઓસ્ટ્રેલિયન અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ગઈકાલે (12 જૂન) અમદાવાદમાં થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા છે. એટલું જ નહીં, બધા ખેલાડીઓએ 2 મિનિટનું મૌન પણ પાળ્યું. આ સિવાય ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડમાં ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી રહી છે. આ મેચમાં પણ ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા હતા.
અકસ્માતમાં 200થી વધુ લોકોના મોત
ગુરુવારે બપોરે, અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી મેડિકલ કોલેજ હોસ્ટેલની ઈમારત પર ક્રેશ થયું. આ દરમિયાન, એક જોરદાર વિસ્ફોટ થયો અને વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે વિશ્વાસ કુમાર રમેશ નામનો એક મુસાફર બચી ગયો. તે સીટ નંબર 11A પર બેઠો હતો. એટલું જ નહીં, હોસ્ટેલમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીઓએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. ઉપરાંત, 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે
WTC 2025ની ફાઈનલ મેચની વાત કરીએ તો, 2 દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમત ચાલી રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં 207 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. હવે સાઉથ આફ્રિકાએ ફાઈનલ જીતવા માટે 282 રન બનાવવા પડશે. મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા. જવાબમાં, સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે 6 વિકેટ લીધી હતી.