સાબરકાંઠાની સાબર ડેરીમાં દૂધના ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે. સાબર ડેરીના ગેટ બંધ કરી દેતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ ગેટ તોડ્યા હતા. ડેરીના મુખ્ય ગેટ તોડી પશુપાલકોએ વિરોધ દર્શાવવા સાથે પોલીસ જવાનો સાથે પણ હાથચાલાકી થઈ છે. ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ કર્મીને માર માર્યોની વાત પણ સામે આવી છે. ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોવા છતાં પશુપાલકો ઉગ્ર થયા છે.
હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ પશુપાલકોને ડેરીમાં અંદર આવવા ન દીધા હતા. ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા પશુપાલકોએ ડેરીનો ગેટ પણ તોડ્યો હતો.
સાબર ડેરી ખાતે હજારોની સંખ્યામાં પશુપાલકો દૂધના ભાવેફેર મામલે રજૂઆત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ડેરી ઉપર જમાવડો થયો હતો. ડેરીના ગેટને નુકસાન પહોંચાડ્યું છે. પશુપાલકોએ સાબરડેરીનો ગેટ તોડીને અંદર ઘૂસ્યા હતા. સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મી ઉપર પણ ટોળાએ હુમલો કર્યો હતો.