
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી સામે હવે પશુપાલકો જ વિરોધ નોંધાવી રહ્યા છે. દૂધના ભાવ વધારા બાબતે પશુપાલકો વિરોધ ન કરે તે માટે સાબર ડેરી દ્વારા સાબરદાણના ભાવમાં 50 રૂપિયા ઘટાડો કરી લોલીપોપ અપાઇ, પરંતુ તે સફળ રહી નહોતી.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર ન આપતા હવે પશુપાલકોનો રોષનો સાબર ડેરીએ સામનો કરવો પડી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સામે તે જ સમયે સાબરડેરી ખાતે પણ મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા. અને સાબરડેરીમાં જવાનો પ્રયાસ કરતા તેમને ગેટ ઉપર જ રોકી દેવાયા હતા. જેને લઈને તેમણે ગેટનો ઘેરાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે પશુપાલકોને આર્થિક સહયોગની જરૂર છે અને સાબર ડેરી દ્વારા આ પશુપાલકોને દૂધનો ભાવ ફેર ચૂકવાયો નથી.
હાલમાં ખેતીની સિઝન ચાલુ છે. ત્યારે તેવા સમયે સાબરડેરીએ સાધારણ સભા મોકુફ કરી દીધી અને આ સાધારણ સભા મોકુફ થતાં પશુપાલકોને મળનારો ભાવ ફેર પણ અદ્ધરતાલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ખેતી અને બાળકોના અભ્યાસ માટે હાલમાં પશુપાલકોને પૈસાની જરૂર છે. ત્યારે કંટાળેલા પશુપાલકો આજે સાબરડેરી ખાતે પહોંચ્યા હતા અને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા હતા. જેને લઇને આગામી એક સપ્તાહમાં દૂધમાં ભાવ વધારો નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરવાની સાબર ડેરી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સાબર ડેરી નિયામક મંડળે સાબરદાણના ભાવમાં ₹50નો ઘટાડો કરી માની લીધું હતું કે પશુપાલકો આ સમગ્ર મુદ્દે ચૂપ થઈ જશે. પરંતુ પશુપાલકોએ ડેરી નિયામક મંડળ સામે બાંયો ચડાવી દીધી છે. તેઓએ આંદોલનની જાહેરાત કરી હતી..