ગુજરાતમાં સતત વરસાદી વાતાવરણ સર્જાયું છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડબ્રહ્મા અને ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી સતત અવિરત વરસાદે ખેડબ્રહ્માને ગમરોળી નાખ્યું.
વડાલીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ
24 કલાકમાં વડાલીમાં 12 ઇંચ, ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ નોંધાયો, ઇડરમાં 5 ઇંચ અને તલોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રે ધોધમાર વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શરૂઆતના જ વરસાદે ખેડબ્રહ્મા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જી છે. હરણાવ નદીમાં ભરપૂર પાણીના પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાયા છે.
સાબરકાંઠામાં મેઘમહેર
હવામાન વિભાગે છેલ્લાં 24 કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે. જે અનુસાર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં 24 કલાકમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ 10.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈડરમાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં લગભગ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રનો સૌથી વધુ 20 ટકા વરસાદ
નોંધનીય છે કે, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 20 ટકા તેમજ પૂર્વ મધ્યમાં 16 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ક્યાં વરસ્યો સૌથી વધુ વરસાદ
હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.